ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ. આર્ટિકલ 14 મુજબ સમાનતાનો અધિકાર મળવો જોઈએ તેવી અરજદારે રજૂઆત કરી. અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે એક જેવી પરિસ્થિતિના કારણે કાયદો બધા માટે સમાન છે. મહત્વનું છે કે 15 જુલાઈથી ધો.10 અને 12ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ખુદ શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા પણ કહી ચુક્યા છે કે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ નહીં થાય અને નિયમ કાર્યક્રમ પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીઓને પણ પ્રવેશ
આ વર્ષથી ડિગ્રી ઈજનેરીમાં હવે બાયોલોજીના વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે. જો કે સરકારે હાલ મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર સહિતની મુખ્ય બ્રાંચોને બાકાત રાખી છે. આ સિવાયની અન્ય 15 બ્રાંચોમાં ચાલુ વર્ષથી અમલ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે અન્ય મુખ્ય બ્રાંચોમાં આગામી વર્ષથી પ્રવેશ અપાશે. આ ઉપરાંત હવે આ વર્ષે ઈજનેરીમાં પ્રવેશ માટે ગુજકેટનું ભારણ 40 ટકાથી વધારીને 50 ટકા કરી દેવાયું છે. અને બોર્ડના પરિણામનું વેઈટેજ 60 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવાયું છે.
ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે એઆઈસીટીઈએ ચાલુ વર્ષથી લાગુ કરાયેલા નવા નિયમોનો રાજ્યામં અમલ કરવો કે નહીં તે મુદ્દે રાજ્ય સરકારે રચેલી 11 સભ્યોની કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ સરકાર તેની ભલામણોને પગલે નવા નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ ચાલુ વર્ષે ડિગ્રી એંજિનિયરિંગમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી સાથે મેથ્સ ઉપરાંત બાયોલોજી અને બાયોટેક્નોલોજી વિષયના થીયરીમાં ગુણ પર આધારિત મેરિટ બનાવી પ્રવેશ અપાશે.
જેમાં વિદ્યાર્થીની પ્રવેશ લાયકાત માટે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સાથે અન્ય વિષયો જેવા કે કોમ્પ્યુટર સાયંસ, ઈંફોર્મેશન ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નિકલ વોકેશનલ વિષય સહિતના વિષયોમાંથી કોઈપણ ત્રણ વિષયની પરીક્ષા 45 ટકા સાથે પાસ કરેલ હોવી જોઈએ. પ્રવેશના મેરિટ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી સાથે મેથ્સ કે બાયોલોજી વિષયોની પ્રવેશ પરીક્ષા ધ્યાને લેવાની રહેશે. આમ હવે એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીને પણ ઈજનેરીમાં પ્રવેશ મળશે.