દિવાળી પહેલાં રાજકોટ, અમદાવાદ અને જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા તપાસ હાથ ધરવામાં આવી છે.
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યપદાર્થોની ખરીદી કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

- રાજકોટમાં ફૂડ વિભાગે 47 પેઢીઓ તપાસી, 18 કિલો અખાદ્ય નાશ.
- અમદાવાદમાં અસ્વચ્છતા, TPC વધુ મળતા બે ખાદ્ય એકમો સીલ.
- જામનગરમાં 324 કિલો શંકાસ્પદ ભેળસેળવાળું ઘી ઝડપી પડાયું.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યપદાર્થોની ખરીદી કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તહેવાર દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ન થાય અને લોકોને શુદ્ધ ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યભરમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ, અમદાવાદ અને જામનગરમાં તંત્ર દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડા અને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં મીઠાઈ અને ફરસાણ ખરીદતા થઈ જજો સાવધાન
રાજકોટમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે મીઠાઈ, મુખવાસ અને ડ્રાયફ્રૂટ સહિતની 47 પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 18 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, હાઈજીન અને લાઇસન્સ સંબંધિત નિયમોનું પાલન ન કરતી 7 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગે વિવિધ ખાદ્યપદાર્થોના 14 નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. જ્યારે નિયમોના ભંગ બદલ કુલ 27 હજાર 500 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
સરખેજ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર ભજિયા હાઉસને સીલ મરાયું
બીજી તરફ અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે દિવાળી પહેલાં કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર ભજિયા હાઉસને સીલ કરવામાં આવ્યું છે. જ્યારે માધુપુરા વિસ્તારમાં આવેલા ચવાણા માર્ટ સામે પણ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન એકમમાં TPCની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત, ગાયત્રી ચવાણા માર્ટમાં ગંદકી જોવા મળતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી.
જામનગર શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કાર્યવાહી
જ્યારે જામનગરમાં ભેળસેળિયા વેપારીઓ સામે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કાર્યવાહી કરી છે. ગઈકાલે ફૂડ શાખાની ટીમે મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશની માલિકીના કાશ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 1 લાખ 13 હજાર રૂપિયાની કિંમતનો 324 કિલો ઘીનો શંકાસ્પદ ભેળસેળયુક્ત જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ ઘીના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. નમૂનાના રિપોર્ટ બાદ ઘીની ગુણવત્તા અને ભેળસેળ અંગે વધુ સ્પષ્ટતા થશે.
આમ દિવાળીના તહેવાર પહેલાં રાજકોટ, અમદાવાદ અને જામનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહીએ ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે. તહેવારની ખરીદી દરમિયાન નાગરિકો પણ ખાદ્યપદાર્થોની ગુણવત્તા, પેકિંગ, ઉત્પાદન તારીખ અને લાઇસન્સ અંગે સાવચેતી રાખે તે જરૂરી છે.
Before You Go
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Frequently Asked Questions
દિવાળી પહેલાં ફૂડ વિભાગ દ્વારા ક્યાં ક્યાં શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી છે?
રાજકોટમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી?
રાજકોટમાં 47 પેઢીઓની તપાસ કરી 18 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરાયો. 7 પેઢીઓને નોટિસ અપાઈ અને 14 નમૂના પરીક્ષણ માટે મોકલાયા છે.
અમદાવાદમાં કયા ખાદ્ય એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી?
અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર ભજિયા હાઉસને સીલ કરાયું હતું. માધુપુરાના ચવાણા માર્ટ અને ગાયત્રી ચવાણા માર્ટ સામે પણ કાર્યવાહી કરાઈ હતી.
જામનગરમાં કયા વેપારી સામે અને કઈ વસ્તુના ભેળસેળ મામલે કાર્યવાહી થઈ?
જામનગરમાં કાશ ટ્રેડર્સના ગોડાઉનમાંથી ₹1.13 લાખનો 324 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો મળી આવ્યો. તેના નમૂના પરીક્ષણ માટે મોકલાયા છે.
તહેવારોમાં ખાદ્યપદાર્થો ખરીદતી વખતે નાગરિકોએ કઈ કાળજી રાખવી જોઈએ?
નાગરિકોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા, પેકિંગ, ઉત્પાદન તારીખ અને લાઇસન્સ અંગે સાવચેતી રાખવી. ભેળસેળ ટાળવા આ વિગતો તપાસવી જરૂરી છે.





















