Diwali Tour: કોરોના કાળના બે વર્ષ બાદ દિવાળીનો તહેવાર લોકો ધામ-ધૂમથી ઉજવી રહયા છે. દિવાળી વેકેશનમાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. કોરોના બાદ ઘણા દેશોએ ટુરિસ્ટ સ્પોટ ખોલ્યા છે. તો દેશના પર્યટન સ્થળોએ પણ હવાફેર કરવા લોકો જઈ રહયા છે.


દિવાળીની રજાઓ પડતા જ લોકોએ બહાર ફરવા જવા દોટ મૂકી છે. બે વર્ષ બાદ ટુરિઝમ ક્ષેત્રમાં રોનક દેખાઈ રહી છે. ગુજરાતીઓ દુબઇ, સિંગાપોર, મલેશિયા, બાલી, થાઈલેન્ડ અને બેંગકોક જેવા એશિયન દેશોમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. તો દેશમાં ઉદયપુર, કશ્મીર, કેરળ, કટરા જેવા સ્થળો ટુરિસ્ટો માટે હોટ ડેસ્ટિનેશન છે. દિવાળીના એક મહિના પહેલા જ ટુરિસ્ટ પેકેજના બુકીંગ શરૂ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન ફ્લાઇટની ટિકિટના ભાવ પણ વધતા હોય છે. અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરોનો ધસારો જોવા મળે છે. જો કે એર ટિકિટ ઉપલબ્ધ તો છે, પરંતુ ટુરિસ્ટ સ્પોટ માટે તેની કિંમત આસમાને પહોંચી છે. ટુરિસ્ટ એજન્ટનું કહેવું છે કે, આ વર્ષે ટુર પેકેજમાં 18 ટકા જેટલો વધારો નોંધાયો છે.


લોકો વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને ફ્રેશ થવા હિલસ્ટેશન અને અન્ય કુદરતી હરિયાળી જગ્યાએ જવાનું પસંદ કરે છે. અત્યારે કેરળ ટુર માટે વ્યક્તિ દીઠ સરેરાશ 25 હજાર રૂપિયાનું  પેકેજ ચાલી રહ્યું છે. જ્યારે કાશ્મીર માટે વ્યક્તિ દીઠ સરેરાશ 15 હજાર રૂપિયાનું પેકેજ ચાલી રહ્યું છે. જો આંતરરાષ્ટ્રીય પ્રવાસની વાત કરીએ તો દુબઈ માટે વ્યક્તિ દીઠ 50 હજાર રૂપિયા, સિંગાપોર અને મલેશિયા માટે 75 હજારથી લઈને 01 લાખ રૂપિયા અને બેંગકોકના 55 હજાર રૂપિયા જેટલા પેકેજની કિંમત છે. આ પેકેજના ભાવમાં રોકાણના દિવસો અને ફેસિલિટી પ્રમાણે વધઘટ થાય છે. દેશમાં જે-તે પર્યટન સ્થળે ફરવા માટે ટેક્સીનું એક દિવસનું સરેરાશ ભાડું 5500 થી 06 હજાર રૂપિયા જેટલું છે. 


PM મોદી મહીસાગર જિલ્લાની લઈ શકે છે મુલાકાત


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે 1 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. લાંબા સમય આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માનગઢ હિલ ખાતે 1507 આદિવાસી યુવાનોએ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં શહીદી વહોરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે માનગઢ હિલ. વડાપ્રધાનના પ્રવાસને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા છે. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી  IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે. કેવડિયાથી પ્રધાનમંત્રી બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે.