પાલનપુર: હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક નદી નાળા છલાકાયા છે. તો બીજી તરફ લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત મળી છે. જો કે, આ બધાની વચ્ચે રાજ્યનું એક શહેર એવું પણ છે જે ભર ચોમાસે પાવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પાલનપુરમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પીવાનું પાણી છેલ્લા ચાર મહિનાથી ન મળતું હોવાના કારણે પાલનપુરના હરીપુરા વિસ્તારના લોકો પરેશાન છે. અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી જેને લઈને મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો.
જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલા હરીપુરા વિસ્તારમાં પીવાના પાણીની લઈને લોકો રોષે ભરાયા છે. છેલ્લા ચાર મહિનાથી હરીપુરા વિસ્તારમાં પીવાનું પૂરતું પાણી ન મળતું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરી છે પરંતુ પાણી માટેની કોઈ સમસ્યા દૂર થઈ નથી. પીવાના પાણી માટે લોકોને દૂર દૂર ધક્કા ખાવા પડે છે. હરીપુરા વિસ્તારમાં જે લોકો રહે છે તે તમામ મજૂરીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. જેઓને દિવસ દરમિયાન મજૂરીએ જવાનું હોય છે અને ત્યારે પાણીને લઈને લોકો પરેશાન છે. કેમકે પાણી દૂર દૂરથી ઉપાડીને લાવવું પડે છે જેના કારણે મહિલાઓ કામકાજ અર્થે જઈ શકતી નથી અને પોતાના બાળકોને પણ સ્કુલે મૂકવા જવા કે તેમના કપડા ધોવા માટે પણ પાણી માટે વલખા મારવા પડે છે.
હરીપુરા વિસ્તારના લોકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. હરીપુરા વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે ટેન્કર દ્વારા પણ પાણી લાવીએ છીએ. અમે મજૂરી કરીએ છીએ તો ટેન્કર પણ પોસાતું નથી. આટલા પૈસા કઈ રીતે ખર્ચવા અને કઈ રીતે પીવાનું પાણી મેળવવું તે મુશ્કેલ બન્યું છે. બીજા વિસ્તારોમાં દૂર દૂર જઈ અને પીવાનું પાણી માથે ઉપાડીને લાવવું પડે છે ત્યારે આ વિસ્તારની મહિલાઓએ આજે હોબાળો મચાવ્યો હતો. પાણીને લઈને નગરપાલિકામાં રજૂઆતો કરીને હવે લોકો થાક્યા છે ત્યારે તેમની માંગ છે કે અમારા હરીપુરા વિસ્તારમાં પીવા માટેનું પૂરતું પાણી આપવામાં આવે.
જોકે આ બાબતે નગરપાલિકા પાણી આપવામાં આવતું હોવાની વાતો કરી રહી છે પરંતુ સ્થળ ઉપર લોકોને પૂરતું પાણી મળતું નથી. નગરપાલિકા ચીફ ઓફિસરનું કહેવું છે કે ટેકનિકલી પ્રોબ્લેમ હતો જે દૂર કરવામાં આવ્યો છે અને લોકોને પીવા માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે. તેમજ આ વિસ્તારના લોકો નગરપાલિકાનો ટેક્સ પણ ભરતા નથી તેવા પણ ચીફ ઓફિસરે સ્થાનિકો ઉપર આક્ષેપો લગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલાને લઈને અત્યારે તો આ વિસ્તારના લોકો જે છે તે પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે નગરપાલિકા પાણી આપવામાં આવે છે તેવી વાતો કરીને ચલાવી રહી છે.જોકે આ લોકોને કહેવું છે કે ચૂંટણી સમયે વોટ લેવા માટે આવે છે પરંતુ પૂરતી સુવિધાઓ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial