ગીર સોમનાથ: કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં વધારે ન ફેલાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસનું Lockdown જાહેર કર્યુ છે. લોકડાઉનના કારણે રેલવે, બસ સહિત તમામ પ્રકારના ખાનગી પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેના કારણે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકોએ બાઈક સહિત જે કંઈ સાધન મળ્યું તે અને પગપાળા ચાલીને માદરે વતન પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન ગુજરાતના ગીર સોમનાથમાં માછીમારો અલગ રીતે વતન પહોંચ્યા છે.


કેવી રીતે પહોંચ્યા માછીમારો

લોકડાઉનના કારણે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં માછીમારો દરિયાઈ માર્ગે વતન પહોંચ્યા હતા. લોકડાઉનના કારણે ઓખા બંદરે ફસાયેલા 50થી વધારે મુસાફરો સોમનાથના બંદરે પહોંચ્યા હતા. માછીમારો જીવના જોખમે દરિયામાં મુસાફરી કરી ગીર સોમનાથ માઢવાડ બંદર પર ઉતર્યા હતા.

ગુજરાતમાં કોરોનાને લઈ શું છે સ્થિતિ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 87 લોકોની આ કાળમુખા વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને 7 લોકોના જીવ ગયા છે. આજે સવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

જયંતિ રવિએ કહ્યું, આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે સૌથી મહત્વના છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,666 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 904 સરકારી ક્વોરેન્ટાઈન કરાયા છે.