Rain Forecast:શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જાણીએ શક્તિ ચક્વાતની અસરથી ક્યાં કેટલા પ્રમાણમાં થશે વરસાદ

Rain Forecast:પૂર્વીય અને ઉત્તરપૂર્વીય ભારતમાં પણ સિસ્ટમ એક્ટિવ થઇ છે. પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વીય બિહાર અને આસામમાં ઉપરના હવાના જથ્થામાં ચક્રવાતી પરિભ્રમણ હાજર છે. આને કારણે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 8 ઓક્ટોબર સુધી વરસાદ પડશે.
હવામાન વિભાગે આગામી 2 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં એક પશ્ચમી વિક્ષોભનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જે ઉતર પૂર્વી અફઘાનિસ્તા અને પાકિસ્તાનની વચ્ચે ચક્રવાતી સર્ક્યુલેશનના રૂપમાં મોજૂદ છે. તેના પ્રભાવથી ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 7 ઓક્ટોબર સુધી વરસાદ થશે. આ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂકવાની પણ સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.
અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા- નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.
વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.નવસારીના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી ઝાપટા છે. નવસારી શહેરના મંકોડિયા, વીજલપોર, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો, વરસાદથી શેરડી, ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રીના સમયમાં વરસાદ વરસ્યો. ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના વરસાદ વરસ્યો. વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, સાપા ગામે ધીમીધારે વરસાદ વરસ્યો.દારૂનિયા, પોપટપુરા સહિતના ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
વડોદરા જિલ્લામાં મોડીરાત્રીના વરસાદ વરસ્યો હતો. સાવલી, શિનોર, ડભોઈ તાલુકામાં વરસાદ વરસ્યો હતો સાવલી તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં શરદ પૂનમની રાત્રિમાં વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો. સાવલીમાં પવન સાથે વરસાદ શરૂ થતા વીજળી ગુલ થઇ ગઇ હતી.સાવલી નગરના જાહેર માર્ગ પર વરસાદના કારણે વરસાદી પાણી ફરી વળ્યાં હતા. શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. સાધલી, ઉતરાજ, તરવા, ટીમ્બરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
હવામાનની આગાહી વચ્ચે તાપીના વાતાવરણમાં પલટો આવ્યો, વ્યારા, બાજીપુરા, વાલોડ, ડોલવણમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક સવારથી ધીમીધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યાં હતા.. વ્યારાના મિશન નાકા નજીક નજીવા વરસાદમાં પાણી ભરાયા હતા. વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.





















