Gujarat Rain: રાજ્યમાં વરસાદની તોફાની બેટિંગ ચાલું છે. ખાસ કરીને સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણા, વલસાડના કપરાડા, બનાસકાંઠાના અમીરગઢ તેમજ જૂનાગઢના વંથલી અને કેશોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવાડ, સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ તાલુકા અને શહેર ઉપરાંત માણાવદર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
તદુપરાંત સુરતના કામરેજ અને સુરત શહેર, વલસાડના વાપી અને પારડી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના પડધરી, જેતપુર અને ધોરાજી, નવસારીના ખેરગામ, જૂનાગઢના ભેંસાણ અને કચ્છના ગાંધીધામ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૦૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૮.૬૧ ટકા જેટલો નોંધાયો છે. આજે, તા. ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે
3 કલાક આ ભારે વરસાદનું અનુમાન
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડશે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ રહેશે.
પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.