Dwarka: સિંહ, દીપડા અને શ્વાન બાદ હવે રાજ્યમાં શિયાળનો આતંક સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના કલ્યાણપુરના ચુંર ગામમાં બે વર્ષના બાળક પર શિયાળે હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.  જંગલી શિયાળના હુમલાની દ્વારકા જિલ્લામાં લગભગ આ પ્રથમ ઘટના છે. ગઈકાલે બનેલી ઘટનામાં શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જિલ્લામાં પહેલીવાર જંગલી શિયાળે કોઇ પણ હુમલો કર્યો છે.


બીજી તરફ જંગલનો રાજા સિંહ જાફરાબાદ શહેર સુધી પહોંચતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સામા કાંઠા વિસ્તારમાં સિંહના આંટાફેરાનો એક વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો વાયરલ વીડિયો બાદ વન વિભાગની ટીમ પણ એક્શનમાં આવી છે.


દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડો જોવાયો હોવાના સમાચારને પગલે વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે પાંજરૂ મુક્યું હતું. ઉલ્લેખની એ છે કે દાહોદ અને પરેલ વિસ્તારમાં આવેલા ગામમાં થોડાક દિવસ અગાઉ દીપડો આવ્યો હતો અને રાત્રિના સમયે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.


નોઁધનીય છે કે થોડા દિવસ અગાઉ પોરબંદર જિલ્લામાં દીપડો આવ્યો હતો. પોરબંદરના ટુકડા ગામે મોડી રાત્રે દીપડાએ મારણ કર્યું હતું. દીપડો આવ્યો હોવાના કારણે ટુકડા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે વન વિભાગને ઘટનાની જાણ થતાં દીપડાને પકડવા વન વિભાગ કામે લાગ્યું હતું. દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. વન વિભાગે મોડી રાત્રે દીપડાને પકડી લીધો હતો.