Earthquake: કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.2 ની હોવાની માહિતી સામે આવી છે. સાંજના 7:01 મિનીટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિલોમિટર દૂર નોંધાયું છે. જો કે, ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અમરેલી વિસ્તાર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી 


સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાંથી એક જ પરિવારના ત્રણ લોકોની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. અગમ્ય કારણસર પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.  વઢવાણ તાલુકાના રાજપર નર્મદા કેનાલમાંથી દંપત્તિ અને એક પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓની લાશ મળી આવી છે. સ્થાનિક લોકોએ ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય લાશને બહાર કાઢવામાં આવી હતી.


આ પરિવારની ઓળખ સુરેન્દ્રનગરમાં રહેતા દરજી પરિવાર તરીકે થઈ છે. કોઈ અગત્ય કારણોસર દરજી પરિવાર દ્વારા સુરેન્દ્રનગરમાંથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ પરિવારે આવું પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.


મૃતક



  • દીપેશભાઈ પાટડિયા (પતિ)

  • પ્રફુલાબેન પાટડિયા (પત્ની)

  • ઉત્સવી પાટડિયા (પુત્રી)


જસદણમાં યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા


રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે  પોતાના ખેતરે પાણી વાળવા ગયેલા યુવકની લાશ મળી આવી છે.  મહેશ કુકડીયા નામના યુવકની પોતાની જ વાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે માંથાના ભાગે ઈજા કરી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ યુવકને કોઈ અજાણી વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો હતો.


યુવક સવારના સમયે ઘરે પરત ન ફરતા મૃતકના માતા વાડીએ દોડી ગયા હતા. જે દકમિયાન ખાટલા પર મૃત હાલતમાં યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો.  મૃતકની માતાને જાણ થતા પરીવારના અન્ય લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પરીવારના સભ્યોએ ભાડલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.  ભાડલા પોલીસ તપાસ હાથ ધરી છે અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ફોરેન્સી પી.એમ. માટે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો છે.