વડોદરા: નકલી CMO અધિકારીની ઓળખ આપનાર અને વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થનાર આરોપી વિરાજ પટેલની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મિઝોરમથી ધરપકડ કરી છે. ગાંધીનગરના વિરાજ પટેલે મુંબઇની એક મહિલાને  CMOના અધિકારી તરીકેની ઓળખ આપી લગ્નની લાલચમાં ફસાવી હતી. આ સાથે યુવતીને ગુજરાતની ગિફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી મહિલાના ATM કાર્ડ ચોરી લઈ તેમાંથી 90000 ઉપાડી લીધા હતા. 


CMOના અધિકારી તરીકે ઓળખ આપી


હોટેલમાં મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું જે મામલે  મહિલાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ સાથે CMOના અધિકારી તરીકે ઓળખ આપી નકલી પાનકાર્ડ બનાવી તેનો સાચા પાનકાર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો.  જે મામલે પણ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વિરાજ પટેલની ગાંધીનગરના સરગાસણથી પોલીસે ધરપકડ કરી હતી.  જોકે તે બાદ 10 નવેમ્બર 2023ના રોજ આરોપી વિરાજને દુષ્કર્મ મામલે વડોદરાની સેસન્સ કોર્ટ લાવવામાં આવ્યો હતો જ્યાંથી તે પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગી ગયો હતો.


મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી 


વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.  વિરાજે આ મહિલા મોડલને  ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ  વિરાજ પટેલ ગાંધીનગરના સરગાસણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી હતી.


આરોપી વડોદરાથી છત્તીસગઢ, બિહાર, ત્રિપુરા જઈ આસામ અને મિઝોરમમાં આશ્રય લઈ રહ્યો હતો.  જોકે વિદેશ ભગવાની કોશિશ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેની મિઝોરમથી ધરપકડ કરી હતી.