fake mawa factory Bhavnagar: ગુજરાતમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા ભેળસેળીયા તત્વો વિરુદ્ધ રાજ્યભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ભાવનગરના સિહોર તાલુકાના દેવગાણા ગામે LCB અને ફૂડ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં નકલી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. જ્યાં ફટકડી, પામોલીન તેલ અને દૂધના પાવડરનો ઉપયોગ કરીને માવો બનતો હતો. અહીંથી 1,220 કિલોગ્રામ અખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરતના અમરોલીમાં પણ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે, જ્યાંથી 9,000 કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો કબજે કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ મીઠાઈ અને ફરસાણના વેપારીઓનાં 36 થી વધુ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ દિવાળી પછી જાહેર થશે.

Continues below advertisement

ભાવનગર: ફટકડી અને પામોલીનથી બનતો નકલી માવો ઝડપાયો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે ચાલતી નકલી માવાની ફેક્ટરી પર સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ફૂડ વિભાગે સફળતાપૂર્વક દરોડો પાડ્યો હતો. આ ફેક્ટરીમાં અખાદ્ય વસ્તુઓનો છૂટથી ઉપયોગ થતો હતો.

Continues below advertisement

ભેળસેળની વિગતો: આરોપીઓ નકલી માવો બનાવવા માટે ફટકડી, પામોલીન તેલ અને દૂધના પાવડર સહિત અન્ય હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. સ્થળ પરથી નેચરલ ડિલાઇટ SMP ના 28 નંગ, અમૂલ મિલ્ક પાવડરના 29 કટ્ટા, સુમન વનસ્પતિ ઘીના 7 ડબ્બા અને 10 કિલોગ્રામ મીઠો માવો મળીને કુલ 1,220 કિલોગ્રામ અખાદ્ય ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે. આ મામલે કલ્પેશ નામના વ્યક્તિ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

સુરત: નકલી ઘીની ફેક્ટરી પર SOG નો દરોડો

ભાવનગર ઉપરાંત સુરતના અમરોલી વિસ્તારમાં પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે.

  • જપ્ત જથ્થો: 9,000 કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
  • ધરપકડ: નકલી ઘી બનાવનાર 4 આરોપીઓ - જયેશ મહેસુરીયા, અંકીત પંચીવાલા, સુમિત મૈસુરીયા અને દિનેશ ગહેલોતની ધરપકડ કરવામાં આવી છે.
  • વેચાણ: આ શખ્સો નકલી ઘી બનાવીને સ્લમ વિસ્તારની કરિયાણાની દુકાનો અને આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતાં સસ્તા ભાવે છૂટક વેચાણ કરતા હતા.

રાજકોટ અને સુરતમાં નમૂનાઓ લેવાની કાર્યવાહી

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાએ નવરાત્રિ દરમિયાન 36 સ્થળોએ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ કરીને નમૂનાઓ લીધા હતા. મલાઈ કેક, જલેબી, પનીર, લાડુ, જેલી, હલવો, ટોપરાપાક, પિસ્તા અને મીઠા સાટા સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જોકે, આ નમૂનાઓનો રિપોર્ટ દિવાળી બાદ આવશે.

સુરત: સુરતમાં ચાંદી પડવા (સુરતીઓનો સ્થાનિક તહેવાર) ને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું હતું. ઘારીમાં વપરાતા દૂધના માવાના 15 મોટા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને 19 જેટલા દૂધના માવાના સેમ્પલ લેવાયા. આ ઉપરાંત, ઘારી વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવા, ઘી, ડ્રાયફ્રૂટ અને એડેડ કલરની તપાસ કરવામાં આવી હતી. તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા છે. આગામી દિવસોમાં ફરસાણના વેપારીઓને ત્યાં પણ તપાસ થશે.