અમરેલી: અમરેલીના ધારી તાલુકાના છતડીયા ગામે જ્યાં એક ખેડૂતે આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. બાબુભાઈ રવોદ્રા નામના ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.  તેમના ખિસ્સામાંથી બેન્કની નોટિસ મળી આવી છે. મૃતક બાલુભાઈએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.  હાલ તો ધારી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


મૃતક ખેડૂતના દિકરાએ કહ્યું હતું કે, ત્રણ વિઘા જમીન છે. તેમના પિતાએ બેંકમાંથી લોન લીધી હતી. જે ભરી દેવા માટે બેંક દ્વારા નોટિસ મળતી હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.  


બેંક તરફથી નોટિસો આવી રહી હતી


ધારી તાલુકાના છતડીયા ગામે રહેતા ખેડૂત બાલુભાઈ ઓધવજીભાઈ રાવોદરા ઉંમર વર્ષ 53 કે જેણે ત્રણ વીઘા જમીન છે. આ ખેડૂતે  ધારી બેંકમાંથી લોન લીધેલ હોય 4 લાખ જેવી અંદાજિત રકમ બાકી હોય અવારનવાર બેંક તરફથી નોટિસો આવી રહી હતી. ગત રાત્રે પોતાને જ ઘેરે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું.  પરિવારને સવારે ખબર પડતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. 


બે પુત્રો અને એક પુત્રી ઉપર આભ ફાટ્યું


ખેડૂતે આપઘાત કરતા પરિવારના બે પુત્રો અને એક પુત્રી ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી મુશ્કેલી ઊભી થઈ છે.  હાલ તો પરિવાર અને સગા સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.  સવારે મૃતકને ધારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પી એમ માટે ત્યારે મૃતકના ખીસ્સામાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી પરંતુ બેંક તરફથી આપવામાં આવેલી ચાર લાખની ઉઘરાણીની નોટિસ મળી આવી છે. પોલીસે તેને કબજે લીધી છે.  સમગ્ર ઘટનાની માહિતી મૃતક બાલુભાઈના ભત્રીજાએ આપી હતી. 


પોલીસના જણાવ્યા અનુસાર,  ધારી તાલુકાના છતડીયા ગામના એક ખેડૂત બાલુભાઈ ઉંમર વર્ષ 50 ગઈકાલે પોતાને ઘેર ગળાફાંસો ખાય જીવન ટૂંકાવવાની ઘટના ધારી પોલીસ મથકમાં તેમના પુત્રએ જાણ કરતા ધારી પોલીસે છતડીયામાં બાલુભાઇને ઘેર આવી અને તપાસ હાથ ધરી હતી.  પ્રાથમિક અનુમાન મુજબ પોલીસને મૃતક બાલુભાઈના ખીસ્સામાંથી બેંકની નોટિસ મળી આવી હતી.  જેથી આર્થિક સંકળામણ હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હોવાનું જાણવા મળી રહે છે. બાલુભાઈની ડેડબોડીને ધારી પોલીસ દ્વારા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.  મૃત્યુનું સાચું કારણ હજુ પોલીસના વધુ ઇન્વેસ્ટિગેશન બાદ જાણવા મળી શકે તેમ છે હાલ તો ધારી પીઆઈ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.