મહેસાણા: વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. પાછોતરા વરસાદથી ખેતીને મોટુ નુકસાન થયુ હોવાની સંભાવના છે. કઠોળ સહિત તલ અને બાજરીના પાકને નુકસાન થયું છે.


મહેસાણા જિલ્લામાં શનિવારે પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ખેતીના પાકને મોટુ નુક્સાન થયું છે. જિલ્લાના વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત છે.

ભારે વરસાદના કારણે જુવાર, કપાસ, કઠોળ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુક્સાન થયું છે. જુવારની કાપણી સમયે જ વરસાદ પડતા પાક બરબાદ થયો છે. પાક નુક્સાનીનું વળતર આપવા માટે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે.

કચ્છમાં પણ સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. ભુજ, અંજાર, રાપર, ભચાઉ, ગાંધીધામ, માંડવી,અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેના કારણે મગફળી, કપાસ સહિતના તૈયાર પાકને ભારે નુક્સાન થયું છે. કચ્છ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધી 278 ટકા વરસાદ નોંધાયો છે.