ખેડૂતોની દિવાળી સુધરી: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત! ગુજરાત સરકાર દ્વારા ₹947 કરોડનું રાહત પેકેજ જાહેર
Gujarat farmer relief: ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતીપાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું.

Gujarat farmer relief: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આમાં SDRF માંથી ₹563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ₹384 કરોડ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની કાયમી સમસ્યાના નિવારણ માટે ₹2500 કરોડ ના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે.
ભારે વરસાદના કારણે પાક નુકસાની: 5 જિલ્લાના ખેડૂતોને સહાય
ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતીપાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, અને વાવ-થરાદ જેવા 5 જિલ્લાઓના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિપાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનીના અહેવાલો મળતા, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમની દિવાળી સુધારવાના ઉદ્દેશથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવીને રાજ્યના બજેટમાંથી વધારાની ₹384 કરોડ ની સહાય ઉમેરી છે. આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવવામાં આવશે.
ખેડૂતો માટે વિશેષ સહાય અને કાયમી ઉકેલની જોગવાઈ
- બિનપિયત ખેતી પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹12,000 લેખે, જેમાં SDRF ના ₹8,500 અને રાજ્ય બજેટના ₹3,500 નો સમાવેશ થાય છે.
- વર્ષાયુ/પિયત પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹22,000 લેખે, જેમાં SDRF ના ₹17,000 અને રાજ્ય બજેટના ₹5,000 નો સમાવેશ થાય છે.
- બહુવર્ષાયુ બાગાયતી પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹27,500 લેખે, જેમાં SDRF ના ₹22,500 અને રાજ્ય બજેટના ₹5,000 નો સમાવેશ થાય છે.
તમામ કિસ્સાઓમાં, આ સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વારંવાર ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે 'ફ્લડ મિટિગેશન મેઝર્સ' તરીકે એક ખાસ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, જેના માટે અલગથી ₹2500 કરોડ ની જોગવાઈ કરવામાં આવશે.
વિશેષ રાહત તરીકે, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય અને ખેડૂતોને રવિ પાક વાવવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી પ્રતિ હેક્ટર ₹20,000 ની આર્થિક સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ રીતે, રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ ₹3447 કરોડ ની મોટી જાહેરાત કરી છે.




















