Gujarat State Shotgun Shooting Championship 2025: રમતગમત ક્ષેત્રમાં એક ઇવેન્ટમાં ગુજરાતી પરિવારનો ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે. આજે મહેમદાવાદના અમસરણ ગામે યોજાયેલી 40મી શૂટિંગ ચેમ્પિયનશીપમાં સ્પર્ધામાં પિતાએ ગૉલ્ડ પર કબજો જમાવ્યો હતો, તો વળી માતા અને દીકરાએ બ્રૉન્ઝ મેડલ જીતીને શૂટિંગના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
શૂટિંગ સ્પર્ધાની વાત કરીએ તો, આજે ગુજરાતના આરાસા રેન્જ, મહેમદાવાદ નજીક અમસરણ ગામમા 40મી ગુજરાત રાજ્ય શૉટગન શૂટિંગ ચેમ્પિયનશિપ-2025 યોજાઇ હતી, આ ઇવેન્ટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કમાલ કર્યો. રાજેન્દ્રસિંહ ચુડાસમા જે ડીઆઈજી, એસઆરપીએફ ગ્રુપ ૯ માં ફરજ બજાવે છે, તેમને આ ઇવેન્ટમાં સિંગલ ટ્રેપ વ્યક્તિગત માસ્ટર મેન્સ ઇવેન્ટમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, ખાસ વાત તો એ ૉછે કે, આ સ્પર્ધામાં તેમના પત્ની વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કમાલ કરતાં સિંગલ ટ્રેપ સિનિયર વુમન (ISSF) વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત તેમના દીકરા એટલે કે માનવરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ ચેમ્પિયનશીપમાં જબરદસ્ત ધમાલ મચાવતા ડબલ ટ્રેપ (ISSF) સિનિયર મેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં ગૉલ્ડ મેડલ જીત્યો, ડબલ ટ્રેપ (ISSF) સિનિયર મેન્સ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો અને સિંગલ ટ્રેપ (ISSF) પુરુષોની વ્યક્તિગત ઇવેન્ટમાં પણ બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
વંદનાબા ચુડાસમાએ રાજ્ય, પૂર્વ રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ, ૧૦ મીટર એર પિસ્તોલ અને સિંગલ/ડબલ ટ્રેપ શોટગન શૂટિંગમાં ૩૫ થી વધુ મેડલ જીત્યા છે. જ્યારે રાજ્યમાં પૂર્વ રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે શૂટિંગ ઇવેન્ટ્સમાં માનવરાજસિંહ ચુડાસમાએ સિંગલ/ડબલ ટ્રેપ શોટગનમાં ૨૫ મેડલ જીતી ચૂક્યા છે. ખાસ વાત છે કે, માનવરાજસિંહને સપ્ટેમ્બર 2025 માં કઝાકિસ્તાન ખાતે યોજાનારી 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે NRAI (નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા) દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.