ગાંધીનગર: રાજયમાં ફટાકડા ફોડવાની મંજૂરીને લઈ સસ્પેંસ યથાવત છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, પ્રદૂષણ મામલે દિલ્હી અને ગુજરાતની સરખામણી ના થઈ શકે. NGTમાં હાલ સુનાવણી ચાલી રહી છે. સરકારે આ મામલે યોગ્ય સમયે નિર્ણય લેવાની વાત કરી છે. લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં પ્રકાશના પર્વએ કોઈ પ્રતિબંધ ઈચ્છતી નથી સરકાર. રાજ્ય સરકાર આજે નિર્ણય લઈ અને જાહેરાત કરશે કે રાજ્યમાં ફટાકડા ફોડવા કે નહી.


નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવા પ્રદૂષિત શહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે.

સરકારની વિચારણાને પગલે ફટાકડાંના વેપારીઓની ચિંતા વધી છે. મહત્વનું છે કે દિવાળીના દિવસોમા ફટાકડાંને હવા-અવાજના પ્રદૂષણનું સ્તર વધે છે. એટલું જ નહીં વૃદ્ધો ઉપરાંત દર્દીઓને મુશ્કેલી થાય છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિલ્લી,રાજસ્થાન, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સરકારે ફટાકડા ફોડવા કે વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.