નવસારી: સુરત જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે કુલ પાંચ ભેજબાજ નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા વાંસદા પોલીસના હાથે ઝડપાઈ જતા બનાવટી નોટના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. વાંસદા પોલીસને બાતમી મળી હતી કે સુરતથી અનાવલ થઈને બે ફોર વ્હીલ વાહનમાં કેટલાક ઇસમો 500ના ભારતીય દરની બનાવટી ચલણી નોટો લઈ ભીનારથી વાંસદા તરફ આવનાર છે. જે બાતમીના આધારે વાંસદા પોલીસ ટીમ દ્વારા ભીનાર ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હતી. જેમાં બાતમીવાળી બે ફોરવ્હીલ વાહનોને અટકાવતા તેમાંથી તપાસ કરતાં પાંચ આરોપીઓ પાસેથી 500ના દરની 2994 નોટ મળી આવી હતી. ભેજાબાજ આરોપીઓ જે પણ ગ્રાહકને બનાવટી નોટ આપતા હતા તેને ચકાસવા માટે સૌપ્રથમ અસલી નોટ આપતા હતા. જેથી ગ્રાહકને વિશ્વાસ બેસી જાય બાદમાં 15 લાખની બનાવટી ચલણી નોટ સામે પાંચ લાખ અસલી નોટ મેળવતા હતા. બેગમાં ઉપર અસલી નોટ સજાવીને મુકતા હતા. જેથી ઉપરથી ચેક કરવામાં કોઈ પણ ગ્રાહક ભેરવાતો ન હતો.
આ ગોરખ ધંધામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ યોગેશ યુવરાજ સામુદ્રે સુરત હેડક્વાર્ટર ખાતે નોકરી કરે છે. જે હાલ આસારામ કેસમાં મહિલા સાક્ષીના હથિયારી સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આરોપીઓ ડુપ્લીકેટ નોટને ઓનલાઈન મંગાવતા હતા કે પ્રિન્ટર પર છાપતા તેની તપાસ રિમાન્ડ દરમિયાન થશે.
આ ટોળકી ખાસ કરીને પેટ્રોલ પંપ કે હોટલ પર જઈને સંચાલકને વાતોમાં ભોળવી 15 લાખની સામે પાંચ લાખ અસલ મેળવવાની વાત કરતા હતા. જેમાં ડીલ ચાલતી હોય ત્યારે સુરતનો પોલીસ કોન્સ્ટેબલ આવી જતો જેથી ગભરાટ જેવો માહોલ ઉભો કરવામાં આવતો. જેમાં ગ્રાહક મોટાભાગે પોલીસના ડરથી 15 લાખ ગણવાનું માંડી વાળી અસલ પાંચ લાખ આપી મામલો રફેદફે કરી નાખતા કેટલાક કિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલ યોગેશ સમુદ્રે સરકારી પિસ્તોલ બતાવી ગ્રાહકને ડરાવતો પણ હતો. યોગેશ સમુદ્રે વિરૂદ્ધ સુરતની મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં કોઈક આરોપીને ગોંધીને માર મારવાના ગુના સહિત અનેક કલમો ઉમેરી પોલીસ ફરિયાદ નોંધાય છે. એટલે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે.
વાંસદા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવા સાથે 2994 નંગ બનાવટી ચલણી નોટ સાથે 6 નંગ 500ની અસલી નોટ, 7 નંગ મોબાઈલ સરકારી પિસ્તોલ અને મેગેઝીન બે કાર મળી કુલ 37,42,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. જેમાં આ ટોળકી નોટ ચોક્કસ કયા પ્રકારેથી મેળવતી હતી ડુપ્લીકેટ છાપતી હતી કે કેમ, આ ટોળકીમાં અન્ય સભ્યો છે કે કેમ અને ભૂતકાળમાં કોને બનાવટી નોટ પધરાવી છે તેને લઈને તપાસ કરવામાં આવશે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ
જેનીસ જગદીશભાઈ પટેલ રહે બારડોલી, પ્રકાશ ગુલાબભાઈ કામલી રહે બારડોલી, શ્રવણકુમાર ફુલજીભાઈ પટેલ રહે બારડોલી, રાહુલ રમેશચંદ્ર શર્મા રહે સુરત, યોગેશ યુવરાજભાઈ સામુદ્રે (પોલીસ કોન્સ્ટેબલ)રહે સારોલી ગામ સુરતના છે.