બનાસકાંઠા જિલ્લામાં વરસેલા 16 ઈંચથી વધુ વરસાદથી બોર્ડર વિસ્તારમાં તારાજી સર્જાઈ છે.  સુઈગામ સહિત આસપાસના ગામોમાં જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગામની બજારોમાં કમરસુધીના પાણી ફરી વળ્યા છે. સુઈગામથી નડાબેટ જવાનો આખેઆખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. અનેક ગામડાઓ જળમગ્ન બનતા SDRF અને NDRFની ટીમો પણ જેસીબીમાં સવાર થઈને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે.

Continues below advertisement

વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણીએ સુઈગામને બાનમાં લીધુ છે.  ન્યાય સંકુલ, મામલતદાર ઓફિસ સહિતના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા.  સુઈગામના પ્રવેશદ્વાર પાસે જ જબરદસ્ત પાણીનો ભરાવો છે.  પાણીની આવકથી પ્રવેશદ્વાર પાસેનો રસ્તો પણ ધોવાય ગયો. ગામની આસપાસ આવેલા નાના મકાનો અને દુકાનો પણ પાણીમાં ડુબી ગઈ છે.  સુઈગામ જવાના 15 કિલોમીટર પહેલાથી જ રસ્તા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ન માત્ર સુઈગામ પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીથી સંપર્ક વિહોણા બન્યા છે.

ભરાડવા ગામ છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું

Continues below advertisement

ભરાડવા ગામ ભારે વરસાદથી  છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે.  ભરાડવા ગામ જવાના રસ્તે કમરસુધીના પાણી ભરાયા છે. સુઈગામ ટાઉન પોલીસ પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં ફસાયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો કરી રહી છે. જો કે પાણીના તેજ પ્રવાહને લીધે પોલીસકર્મીઓ પણ ભરાવડા પહોંચવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. 

ઉચ્ચાસણ ગામ વરસાદી પાણીમાં ગરકાવ

સુઈગામ પાસે આવેલ ઉચ્ચાસણ ગામ આખુ વરસાદી પાણીમાં ગરકાવ છે. ઉચાસણ ગામના પ્લોટ વિસ્તારમાં આવેલા 50થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થતા છેલ્લા 36 કલાકથી ગ્રામજનો ઘરમાં જ કેદ થવા મજબુર બન્યા છે.  વરસાદી પાણીથી ગ્રામજનોની ઘરવખરીનો સામાન પણ પલળી ગયો છે. વરસાદી પાણીના સામ્રાજ્યથી ગ્રામજનોને પીવાના પાણી સહિત અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓને લઈને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરવા સુઈગામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ખુદ ટ્રેક્ટર ચલાવીને અલગ અલગ ગામ પહોંચી રહ્યા છે.  દોરડા અને વોકીટોકીની મદદથી પીઆઈ સતત અન્ય કર્મચારીઓના સંપર્ક કરી રહ્યા છે.

પોલીસ ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે

સ્થાનિક વહીવટી પ્રશાસનની મદદ લઈને પોલીસ ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. તો આ તરફ NDRF અને SDRFની ટીમ પણ પાંચથી વધુ બોટ સાથે સુઈગામના અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાધુનિક સાધનો સાથે NDRFની ટીમ સુઈગામ સહિત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. સાથે જ ફુડ પેકેટ અને પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.