Flood Updates News: નવસારી જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 24 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બનતાં જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

Continues below advertisement

વાંસદા તાલુકામાં ભારે વરસાદના કારણે કાવેરી નદી ઉભરાઈને કંબોયા પ્રતાપનગર પાસેના ઓવરબ્રિજ સુધી પહોંચી ગઈ છે, જેનાથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. ચીખલીના ગોલવાડ વિસ્તારમાં પણ કાવેરીના પાણી ઘૂસી જતાં તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવું પડ્યું છે. બીજી તરફ, અંબિકા નદીના પૂરના પાણી ગણદેવી તાલુકાના ૩૦થી વધુ ગામોમાં ફરી વળ્યા છે અને કોસ્ટલ હાઇવે પર 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. નવસારી શહેરમાં પૂર્ણા નદીની જળસપાટી 28 ફૂટે પહોંચતાં સુરતને જોડતો વીરાવળ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે, જેનાથી વાહનચાલકોને લાંબો ચકરાવો કાપવો પડી રહ્યો છે. વધુમાં, શહેરના કાશીવાડી વિસ્તારમાં બીજી વખત પૂર્ણાના પાણી ફરી વળતાં 350 થી વધુ શ્રમિક પરિવારોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે.

Continues below advertisement

Rain: બપોર સુધી ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરગામ-ખેરગામમાં આભ ફાટ્યું, 8 કલાકમાં 13 ઇંચ વરસાદ

હાલ નવસારી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર પૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદી-નાળાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.