Talati Exam: રાજ્યમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૭મી મે, ૨૦૨૩ના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.


પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.


ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ ૮,૬૪,૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.


પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે.





Published at: 06 May 2023 06:54 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.