અમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ ઉનાળો દઝાડવાનું શરૂ કરશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની પૂરી સંભાવના છે.
ગુજરાતીઓ હવે પ્રચંડ ગરમી માટે તૈયાર થઈ જાય. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસશે. હજુ તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે ત્યાં જ ગરમી શરૂ થઈ ગઈ છે. જે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે.
રાજ્યના 14 શહેરોમાં તાપમાન વધીને 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો વાત કરીએ વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની તો અમદાવાદમાં સોમવારે તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 36.8 ડીગ્રી સુધી પહોંચ્યો છે.
ડીસામાં 36.4 ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, અમરેલીમાં 37.8, રાજકોટમાં 37.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી તપામાન નોંધાયું છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં સૂર્યદેવતાનો ક્રોધ વધુ વ્યાપક બનશે. 13 માર્ચથી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચીને તેનું અસલી સ્વરૂપ દેખાડશે.