વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ મેદાન જનસભાઓ ગજવી રહી છે. તો બીજી તરફ ઘણા નેતાઓ પાર્ટી પણ બદલી રહ્યા છે. આ કડીમાં ગુજરાતમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર ફરી કોંગ્રેસમાં જોડાયા છે. જો કે, વાત તો એવી પણ સામે આવી રહી છે તે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.


આ બધી અટકળો વચ્ચે બનાસકાંઠા લાખણીમાં ઘાણા ગામમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 27 વર્ષથી ચાલતું એકધારું સાશન જે અતિ કહેવાય એ નકામું છે. ગુજરાતની જનતા આ સરકારને દૂર કરો. ભાજપે પ્રજાને છેતરવા સિવાય કંઈ જ કર્યું નથી. કોંગ્રેસના મિત્રોને રિપીટ કરો જે ન હોય ત્યાં નવા મોકલી આપો અને સારી સરકાર બનાવો. કોંગ્રેસના ઉમેદવારોને ભરપૂર મત આપો. 


કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું એ અલગ બાબત છે, પણ આ જૂઠી સરકારને હટાવવી જરૂરી છે. આ વખતે મતોનું વિભાજન ન થાય તે માટે કોંગ્રેસ કોંગ્રેસ અને કોંગ્રેસ. યુનિફોર્મ સિવિલ કોડ બધા નાટક છે, શું તમે 27 વર્ષથી ભજીયા ખાતા હતા. હું કોઈ એક વિધાનસભાથી ચૂંટણી નથી લડવાનો. હું 182 વિધાનસભાથી લડવાનો નથી. જરૂરી નથી કે તમે એક વિધાનસભાથી લડું. ભાજપ માટે મારા મોઢા માંથી કોઈ સારા શબ્દો નીકળતા નથી. જે પાર્ટીને ખભે બેસાડીને ગુજરાતમાં બેસાડી હોય તેનો મને વસવસો છે કે ખોટા લોકોના હાથમાં સતા આવી ગઈ.


અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાગનગરના ગારિયાધારમાં આયોજીત કાર્યક્રમમાં અલ્પેશ સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાયા હતા. ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.


અલ્પેશ કથિરીયા વરાછા બેઠક પરથી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આપમાં જોડાયા બાદ અલ્પેશે કહ્યું હતું કે રાજનીતિના મંચ પર જઇને કંઇક કરવાનો અમે નિર્ણય કર્યો છે. અલ્પેશ કથિરીયાએ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યા હતા. અલ્પેશે કહ્યું કે 14 મહિનાથી વધારે જેલવાસ ભોગવ્યો છે. અનેક કેસો થયા છે. પરિવર્તનની લહેરમાં ખભે ખભો મેળવી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગારી ઓછી થાય  અને શિક્ષણ સારુ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.









યુનિફોર્મ સિવિલ કોડ બને-કેજરીવાલ


ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તેને એવો બનાવવો જોઇએ જેમાં તમામ સમુદાયોની સહમતિ હોય. તેમણે કહ્યું કે તમામ સમુદાયોને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઇએ.