મહેસાણા: કૉંગ્રેસના નેતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનારા સી.જે. ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે.  સી. જે. ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી  19 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું. 


સી.જે.ચાવડા આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. સી.આર.પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા.    સીજે ચાવડાની સાથે મોટી સંખ્યામાં તેમના સર્મથકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મોટાપાયે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.  


કોણ છે સી, જે ચાવડા


ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી હતી. 


રાજીનામું આપ્યું ત્યારે શું કહ્યું હતું


કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા  પાર્ટીને અલવિદા કહી દીધું હતુ. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.