કચ્છ: રાજ્યના પૂર્વ મંત્રી તારચંદ છેડાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તારચંદ છેડાએ આજે અંતિમ શ્વાસ લીધા છે. ગઈકાલે સિમ્સ હોસ્પિટલમાંથી તેમને ભૂજ એમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા. તારચંદ છેડાને નિધનથી ગુજરાત ભાજપને મોટી ખોટ પડી છે.
લાંબી બિમારીની સારવાર બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તારાચંદભાઈ જૈન સમાજના રત્ન તરીકે પણ ઓળખાણ ધરાવતા હતા. આજે વહેલી સવારથી લોકો તેમના નિવાસસ્થાને દર્શન માટે ઉમટ્યા હતા. તારાચંદ છેડાના નિધનના સમચારથી કચ્છમાં શોકની લહેર જોવા મળી રહી છે.
પ્રદ્યુમનસિંહ જાડેજાએ તારાચંદ છેડાના નિધન પર શોક વ્યકત કર્યો છે. પૂર્વ મંત્રી તારાચંદ છેડાના નિધનના સમાચારથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, કચ્છમાં એક મોટા નેતાની ખોટ પડી. કચ્છના લોકો માટે અને ખેડૂતો માટે તેઓ હર હંમેશ ખભેખભો મિલાવી ઉભા રહેતા હતા.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પૂર્વ રાજ્ય મંત્રી તારચંદ છેડાના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરતા લખ્યું, કચ્છી માડુ, જૈન રત્ન, જીવદયા પ્રેમી, સેવા હી સાધના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર, કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી, સૌના માર્ગદર્શક સ્વ. શ્રી તારચંદ છેડાજી અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું.
તારાચંદ છેડાના નિધનના સમાચાર મળતા જ તેઓના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતેના નિવાસ્થાન રહેતા હતા.
પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાની રાજકિય કારકિર્દી પર નજર કરીએ તો અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અને રાજ્યમંત્રી પણ બન્યા હતા.તેઓ રાજકારણમાં સક્રિય હોવા છતાં સામાજિક શ્રેઠી તરીકે પણ ઓળખ ધરાવતા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ટ્વિટ કરતા લખ્યું, ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી તારાચંદભાઇ છેડાના દુઃખદ અવસાન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. તેઓનું જાહેર જીવન, સામાજિક સેવા અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન ચિરંજીવ રહેશે. ૐ શાંતિ...!!