વલસાડના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં કરુણ ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં પાંડવકુંડમાં નહાવા પડતા ચાર વિદ્યાર્થીના મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો છે. વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. જ્યાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને 1 રીક્ષા ચાલક ડૂબ્યા હતા. જેથી લોકો એકત્ર થયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિકોએ બહાર નિકાળી હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં ચાર વિદ્યાર્થીઓનું મોત થયું હતું જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો.

મૃત્યુ પામનાર યુવકોની ઓળખ ધનંજય લીલાધર ભોંગરે, આલોક પ્રદીપ શાહ, અનિકેલ સંજીવ સીંગ અને લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી તરીકે થઈ છે. જ્યારે એક વ્યક્તિનો  બચાવ થયો હતો. જે રિક્ષાચાલક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીની કેબીએસ કોલેજના આઠ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં સવાર થઈને પાંડવકુંડ ફરવા માટે ગયું હતું. જ્યાં કમનસીબે નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ અને એક રિક્ષાચાલક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. રિક્ષાચાલકને સમયસર બચાવી લેવામાં આવ્યો હતો અને હાલમાં તે સુરક્ષિત છે. આ કરૂણ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.