MAHISAGAR : એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં દુવિ જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયરની ટીમે ચારેય યુવાનોની શોધખોળ શરૂ કરી દીધી છે. જેમાં 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય યુવાનની શોધખોળ શરૂ છે.
ભાણવડમાં પાંચ યુવાનોના ડૂબી જતા મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ યુવાનો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.
ગુજરાતનું એક એવું ગામ જ્યાં 200 વર્ષથી હોળી નથી રમાઈ
ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણીની મુખ્ય ઓળખ હોલીકા દહન અને રંગ છે. હોલીકા દહન અને રંગો વગરની હોળીની ઉજવણી કરવાની કલ્પના પણ ના થઈ શકે. જો કે, ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 200 વર્ષથી હોળીની ઉજવણી નથી કરાઈ. આ ઉજવણી કેમ નથી કરાઈ તેનું કારણ પણ 200 વર્ષ જુની એક ઘટના છે જેનો ડર આજે પણ આ ગામના લોકોમાં યથાવત છે.
સંતોનો શ્રાપ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીના પર્વની ઉજવણી નથી કરવામાં આવી. હોળીની ઉજવણી ના કરવાનું કારણ અહીં વર્ષો પહેલાં બનેલી એક ઘટના છે. એવી માન્યતા છે કે, એક અહંકારી રાજાએ ખરાબ કામ કર્યા હતા. રાજાના આ કામોથી કેટલાક સંતો ક્રોધિત થયા હતા અને આ ગામને શ્રાપ આપ્યો હતો. સંતોએ શ્રાપ આપીને કહ્યું હતું કે, આ ગામ સદાય માટે રંગહીન (બેરંગ) રહેશે. ત્યારથી લઈને અત્યાર સુધી આ ગામમાં હોળી ના રમવાની પરંપરા ચાલી આવે છે. આ સાથે આ રામસણ ગામમાં હોળી પણ નથી પ્રગટાવામાં આવતી.