Weather Update: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં બરફ વર્ષા થતાં તે બાજુથી આવતા ઠંડા પવનોના કારણે ગુજરાતના માટોભાગના જિલ્લામાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસમાં 3થી 4 ડિગ્રીનો તાપમાનમાં ફેરફાર આવે તેવો હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યો છે. એન્ટી સાયક્લોનની સ્થિતિ સર્જાતા હાલ પવનની દિશા અને ગતિમાં થોડા ફેરફાર થશે, જેથી રાજ્ય પર હવે દરિયા પરથી પવનો આવવાનું શરૂ થશે અને તાપમાનનો પારો 2થી3 ડિગ્રી ઉપર જતાં રાજ્યમાં ઠંડીમાાં આંશિક ઘટાડો થઇ શકે છે. 10થી 12 જાન્યુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે કેવી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. આ સમયે પણ તાપમાનમાં વધારો થઇ શકે છે. ટૂંકમાં 12 જાન્યુઆરી આસપાસ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં થોડો ઘટાડો થઇ શકે છે.
હાલ રાજ્યમાં નલિયામાં તાપમાનનો પારો ગગડતાં સાત ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું. 11 શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમદાવાદમાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં એક દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. અમદાવાદમાં રાત્રિનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 4 રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી જાહેર કરતા આ રાજ્યોમાં ઠંડીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ આગામી ચારથી પાંચ દિવસ માટે ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત માટે કોલ્ડવેવની ચેતવણી જાહેર કરી છે. IMD ના તાજેતરના અહેવાલ મુજબ, "પૂર્વીય ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં ખૂબ જ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. મંગળવારે આસામ અને મેઘાલય, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસ પડવાની શક્યતા છે.
આ રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 6-9 જાન્યુઆરી, પશ્ચિમ રાજસ્થાનમાં 8-10 જાન્યુઆરી, પૂર્વ રાજસ્થાનમાં 6-10જાન્યુઆરી, છત્તીસગઢમાં 6-8 જાન્યુઆરી અને ઝારખંડમાં 6-9 જાન્યુઆરી દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે. વધુમાં, મધ્યપ્રદેશ, બિહાર અને ગંગા પશ્ચિમ બંગાળમાં 6 જાન્યુઆરીએ હાડ થીજાવતી ઠંડીની સ્થિતિ યથાવત રહેશે.
અનેક રાજ્યોમાં શાળાઓ બંધ
બિહાર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બાળકોની શાળાઓ ઠંડીને કારણે બંધ કરવામાં આવી છે. ઠંડી અને ધુમ્મસને કારણે રાજસ્થાનના 20 જિલ્લાઓમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ વિવિધ સમયગાળા માટે બંધ રાખવામાં આવી છે.બિહાર, પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજના ઉત્તર અને ઉત્તરપૂર્વીય જિલ્લાઓ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગયામાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.