ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગીર ગઢડાના ગીર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.  તુલસીશ્યામ આસપાસના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 


ગીર ગઢડા તાલુકાના આસપાસના ગામોમાં અસહ્ય ગરમી  બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગીર ગઢડાના તુલસીશ્યામ,ધોકડવા, જશાધાર  સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. 


ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થઈ છે.  તુલસીશ્યામ ગીરમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણના ઠંડક પ્રસરી ગઈ હતી. તુલશીશ્યામમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.  


અમરેલીના ખાંભામાં વરસાદ 


હવામાન વિભાગ દ્વારા  વરસાદની આગાહી વચ્ચે  અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના  ખાંભા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  ખાંભા, બોરાલા, ખડાધાર, ધાવડિયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.  ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા.  વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  


અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી


આજથી 12 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. 21 જૂન બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસશે.  આજથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.  મુંબઈના લો લાઈન વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 


દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત  અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  17 થી 19 જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે.  જ્યારે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાશે. દેશના અનેક ભાગમાં  અતિભારે વરસાદ થશે.  


હવામાન વિભાગની આગાહી


દેશનાં ઘણાં રાજ્યો અત્યારે ભારે ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યાં છે. હીટવેવને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવના કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હાલત ખરાબ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ચાર દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ (Rain) પડી શકે છે.


અનેક રાજ્યોમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો કે કેટલાક રાજ્યોમાં હળવા વરસાદ (Rain)ને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ પછી પણ તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહે છે. દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના લોકો આ સમયે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં 6 જૂને ચોમાસું (Monsoon) આવી ગયું છે. ચોમાસું (Monsoon) હવે રત્નાગીરી અને સોલાપુર તરફ આગળ વધી રહ્યું છે. 9-10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ આવી શકે છે.