ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં આદમખોર દીપડાના હુમલાને પગલે હાહાકાર મચી ગયો છે. હવે બાળક પછી બાળકી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. ઉનાના ભડીયાદર ગામે વાડી વિસ્તારમાં ચાર વર્ષની બાળા પર દીપડાનો હુમલો થયો હોવાની ઘટના સામે આવતાં લોકોમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે. ખેડૂત દેવશીભાઈ મકવાણાની ચાર વર્ષની દીકરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ચાર વર્ષની બાળા પોતાની માતાના ખોળામાં રમી રહી હતી અને અચાનક દીપડાએ હુમલો કરી દીધો હતો.
અચાનક દીપડો આવીને પોતાની માતાના ખોળામાંથી બાળકીને લઈને ભાગ્યો હતો. ત્યાર બાદ માતાએ દેકારો કરતા ખેતરમાં કામ કરતા ખેડૂતો દીપડાની પાછળ દોડતા દીપડો બાળાને મૂકીને ભાગ્યો હતો. બાળાને ગળાના અને પાછળ ભાગે ઈજા થઈ છે.
આ પહેલા 17મી ડિસેમ્બરે ઉના તાલુકાના સનખડા ગામે ભીડ ભંજન વાડી વિસ્તારમાં વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે ચાર વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો હતો. પિતાએ દેકારો મચાવતા દિપડો નાસી છૂટ્યો હતો. બાળકને સારવાર માટે ઉના હોસ્પીટલે ખસેડાયો હતો. દીપડાના હુમલાને કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી છે. જોકે, બાળક હાલ સ્વસ્થ છે. બીજી તરફ આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં દિપડો પિંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના વડદલી ગામેથી દિપડો ઝડપાયો. વડદલી ગામે બકરા,વાછરડા, કુતરાનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો. એનિમલ રેસ્ક્યુ ટિમ અને જંગલખાતા દ્વારા સંયુક્ત રીતે પીંજરું ગોઠવી દીપડાને ઝડપી કાઢ્યો. છેલ્લા કેટલાય દિવસોથી દિપડાના ત્રાસના કારણે સ્થાનિકો પરેશાન બન્યા હતા. દીપડો પાંજરે પુરયેલો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.
સાબરકાંઠામાં વડાલીના મહોર પાટીયાના ખેડૂતના કૂવામાં દીપડો દેખાયો. કૂવામાં દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનો ઉમટ્યા. ગામલોકોએ વનવિભાગને જાણ કરતા વેન વિભાગે રેસ્ક્યુ હાથ ધરી સલામત કુવામાંથી બહાર નીકાળ્યો. કુવામાંથી બહાર નીકળ્યાં બાદ જંગલ તરફ ચાલી ગયો. આ ઘટના 11મી ડિસેમ્બરની છે.