Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાંથી એક 8 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કોડીનાર તાલુકાના એક ગામમાંથી આ 8 વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવી છે. સીમ વિસ્તાર જેવા અવાવરું વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ બાળકીના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. 


8 વર્ષની માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા સૌ કોઈના મુખે એકે જ સવાલ છે કે આ બાળકીની હત્યા કોને અને શા માટે કરી? આ બાળકી પર કોઈ નરાધમે બળાત્કાર ગુજારી બાદમાં હત્યા કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે બાળકીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવશે. 


નવસારીના  60 વર્ષના નરાધમે 13 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ
વાંસદાના એક ગામમાં દાદાની ઉંમરના વ્યક્તિએ સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. 60 વર્ષીય વૃદ્ધએ 13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરતા ચારેકોર આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આધેડે સગીરાને ખેતરમાં ફિલ્મી ગીતો સંભળાવવાની લાલચ આપી એકાંતમાં બોલાવી હતી અને ત્યાર બાદ તકનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું.


આરોપીએ દુષ્કર્મની વાત કોઈને ન કહેવા સગીરના ધમકી પણ આપી હતી. જો કે સગીરાએ હિંમત કરી આ વાત પરિવારને કહેતા આખરે ભાંડો ફૂટ્યો હતો. આરોપીનું ચંપક પટેલ હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે ચંપક પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


ભિલોડાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કાર
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ સગીર બાળકીને ત્રણ શખ્સો રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને બાદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાના આરોપો લાગ્યા છે. આ સગીરાની માતાએ ઘટના અંગે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


પોલીસે ત્રણ શખ્સો સામે સામુહિક બળાત્કારનો  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણ હવસખોરોને ઝડપી પાડવા જિલ્લા એસઓજી ,એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમો કામે લાગી છે.સગીર બાળકી ઉપર ગેંગ રેપની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે.