Gir Somanth News: સોમનાથ મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વેણેશ્વર વિસ્તારની સોમનાથ સોસાયટીમાં દીપડાના આંટાફેરાના સીસીટીવી સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડાને લઈ વન વિભાગને જાણ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા બનાસકાંઠના અંબાજીમાં ગબ્બર ની પહાડીઓમાં આજે સવારે દીપડો જોવા મળ્યો હતો. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો હોવાની જાણ થતા લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગબ્બરની પહાડીઓમાં દીપડાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પાલનપુરની ટીમ ગબ્બર ખાતે રવાના થઈ હતી.
રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો
ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દીપડાની સંખ્યા 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે, જ્યારે ગીર સોમનાથમાં 257 દીપડા છે. જૂનાગઢ, સુરત અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં દીપડાની હાજરી બમણી થઈ છે, જે માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનામાં વધારા સામે ચેતવણી તરીકે પણ સામે આવી છે.
સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં દીપડા જોવા મળ્યા
રાજ્યના વન અધિકારીઓ જણાવ્યું કે બોટાદ સિવાય સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં દીપડા જોવા મળ્યા હતા. આ પ્રદેશમાં રાજ્યના 50 ટકા દીપડા છે. 2016માં સૌરાષ્ટ્રમાં 700 દીપડા હતા. જ્યારે તાજેતરની વસતી ગણતરીમાં સંખ્યા 60 ટકા વધીને 1117 પર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. અહીં શેરડીના ખેતરો આવેલા છે, જે દીપડા માટે સુરક્ષિત સ્તાન છે.
રાજ્યના આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા ઘટી
તાજેતરની દીપડાની વસતી ગણતરી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 145.5 ટકાનો વધારો થયો છે. 2016માં દક્ષિણ ગુજરાતમાં 211 દીપડા હતા, જે 2023માં વધીને 518 થયા છે. ઉત્તર ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 67 ટકા વધારો થયો છે, અહીં 2016માં 91 દીપડા હતા, જે વધીને 2023માં 152 થયા છે. 2274 દીપડાઓમાંથી મધ્ય ગુજરાતમાં માત્ર 24 ટકાનો વધારો થયો છે. જે જિલ્લામાં દીપડાની સંખ્યામાં ઘટાડો થયો તેમાં અમરેલી, દાહોદ, મહેસાણા, જામનગર અને પોરબંદર છે.
આ પણ વાંચોઃ
12મું પાસ છો અને ટાઈપિંગ આવડે છે તો આ ભરતી માટે કરો અરજી, મળશે તગડો પગાર