ગીર સોમનાથ: ગીર સોમનાથ પોલીસ થોડા દિવસો પહેલા તાલાળામાં થયેલા અકસ્માતના બનાવવને લઈ આ ગુનાના ગંભીર કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. 


તાલાળામાં તારીખ 06-09-2024ના રોજ સુરેશભાઈ જાદવ રહે. ઉમરેઠી પોતાનું એક્ટિવા લઈ તાલાળા તરફ જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે સુરેશને મોપેડ સાથે ટક્કર માટે ગંભીર ઈજા કરી મોત નિપજાવેલ જે બાબાતે તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  


ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા આ ગુનામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ કારણે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા તથા તાલાલા પીઆઈ જે.એન.ગઢવીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એ.સી.સિંધવ તથા એલ.સી.બી સ્ટાફ તથા તાલાલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉપરોક્ત ગુનાની તપાસ દરમિયાન અકસ્માત કરનાર વાહન તથા વાહન ચાલક બાબતે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સીસ તેમજ હ્યુમન સોર્સીસથી તપાસ કરતા અકસ્માત કરનાર વાહન બોલેરો પીકઅપના ચાલક સગીર હોવાનું જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. 


પોલીસ દ્વારા પૂછપરછમાં તેણે જણાવ્યું કે, સુરેશ જાદવને તેની બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને સુરેશે તેની બહેન સાથે પહેલા પણ શારિરીક શોષણ કર્યું હતું જેને લઈ ગુનો દાખલ થયો હતો. જ્યારે ક્રોસમાં સુરેશે પણ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલ હતો. તેના લગ્ન થઈ ગયા હોવા છતા તેની બહેન સાથે સંબંધ રાખવા દબાણ કરી હેરાન કરતો હતો. રક્ષાબંધન પર બહેને સુરેશ હેરાન કરતો હોવાની વાત કરી હતી. આ કારણે સગીરે સુરેશને મારી નાખવાનું નક્કી કર્યું હતું. સીગર મિત્રને કહેતા તેણે આ કામમાં મદદ કરવા હા પાડી હતી. તેની અન્ય યુવતી મિત્રએ પણ મદદ કરવાની હા પાડી આમ ત્રણેયે સુરેશને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. 


યુવતીએ સોશિયલ મીડિયા મારફત સુરેશનો સંપર્ક કર્યો હતો. 15 દિવસ પહેલા તેની સાથે મિત્રતા કરી હતી. બાદમાં  તેને મળવા માટે બોલાવ્યો હતો. અન્ય સગીરે મોટરસાઈકલ લઈ સુરેશની રેકી કરી હતી. સુરેશ પોતાનુ એક્ટિવા લઈ ઉમરેઠી પાટીયાથી તાલાલા તરફ જતો હતો ત્યારે તેનુ લોકેશન આપી પાછળથી પીકઅપ બોલેરો ચડાવી સુરેશને કચડી મારી નાખી બોલેરો તાલાલા નજીક પેટ્રોલ પંપના ખાંચામાં મૂકી ત્રણેય અલગ-અલગ નાસી ગયા હતા. 


પોલીસે અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલી આ હત્યા થઈ હોવાનો ચોંકવાનારો ખુલાસો કર્યો હતો. પોલીસે આ કેસમાં બોલેરે પીકઅપ, ત્રણ મોબાઈલ ફોન અને હોન્ડા સાઈન પણ મુદ્દામાલમાં કબજે કર્યું છે. 


આ સમગ્ર કેસમાં તપાસમાં એ.બી.જાડેજા, એ.સી સીંધવ તથા એલસીબી સ્ટાફ તથા તાલાલા પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. જે.એન.ગઢવી તથા તાલાલા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.