Gir Somnath: ગીર સોમનાથમાં દીપડાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. હાલમાં જ ગીર સોમનાથથી એક હ્રદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામના એક ખેડૂતને રાત્રિ દરમિયાન દીપડાએ ફાડી ખાધો હોવાની ઘટનાથી આખા ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે. ખેડૂત ખેતરમાં પાકનુ રખોપુ કરવા ગયો હતો, આ દરમિયાન સૂતેલા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કરતાં મોત થયુ હતુ. હાલમાં ખેડૂતના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. 

ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લામાંથી દીપડાનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામમાં રહેતા ખેડૂત પર દીપડાએ હૂમલો કર્યો છે, નારણભાઈ પીઠિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં અડદનો પાક વાવ્યો હતો, રાત્રિ દરમિયાન ખેડૂત યુવક પોતાના ખેતરમાં અડદના પાકનું રખોપુ કરવા પહોંચ્યો હતો. જ્યારે રાત્રે રખોપુ કરી રહેલો ખેડૂત યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો અને ફાડી ખાધો હતો. ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, ગ્રામજનો એકઠા થઇ જતા બાદ વન વિભાગે હિંસક બનેલા દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી.

અગાઉ પણ દીપડાએ કર્યો હતો હુમલોવાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા હતો. આધેડનો મૃતદેહ ગીર ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. છેલ્લા 5 દિવસમાં ગીર સોમનાથમાં હુમલાની 7 ઘટના બની હતી. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યાં હતા. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાનાં ગીર વિઠલપુર ગામે બે દિવસમાં દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો. તો ગીર ગઢડામાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડા એ વૃદ્ધાને ફાડી ખાધી અને સુત્રાપાડાના ગામમાં પરપ્રાંતીય મજૂરના ચાર વર્ષના દીકરા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બીજી તરફ વન વિભાગે તેને ઝડપી પાડવા કવાયત પણ શરૂ કરી છે. પરંતુ દીપડો જાણે વન વિભાગને હાથતાળી આપી રહ્યો છે જેથી લોકોમાં ફફડાટ છે.