ગોધરા તાલુકાના કેવડિયા ગામમાં એક અત્યંત કરુણ દુર્ઘટના માં કેવડિયા પ્રાથમિક શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે 7 વિદ્યાર્થીઓનું જૂથ પરીક્ષા આપ્યા બાદ શાળા પાછળ આવેલા તળાવમાં નહાવા ગયું હતું. આ દુર્ઘટનામાં ધોળી ગામના ધવલ વિજયભાઈ બારીયા અને કેવડિયા ગામના સુજલ ગોપાલભાઈ રાવળ નામના બે કિશોરો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 5 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. બંને કિશોરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ કરુણ બનાવની જાણ થતાં જ મૃતકોના પરિવારજનોના આક્રંદ થી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
પરીક્ષા પૂર્ણ થયા બાદ કિશોરો ગયા હતા નહાવા
પ્રાથમિક માહિતી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગોધરા તાલુકાની કેવડિયા પ્રાથમિક શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતા કુલ 7 વિદ્યાર્થીઓ તેમના શાળાની પરીક્ષા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ શાળાની પાછળ આવેલા કેવડિયા તળાવમાં નહાવા જવાનું નક્કી કર્યું. નહાવા દરમિયાન અચાનક એક કિશોરનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં પડ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં તેનો બીજો સાથી કિશોર પણ પાણીમાં ડૂબી ગયો હતો. મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓમાંથી એક ધોળી ગામનો અને બીજો કેવડિયા ગામનો રહેવાસી હતો. આ દુર્ઘટના બનતાની સાથે જ સાથે નહાવા પડેલા અન્ય 5 વિદ્યાર્થીઓ ગભરાઈને તળાવ કાંઠેથી નાસી છૂટ્યા હતા, જેના સ્કૂલ યુનિફોર્મ તળાવને કાંઠેથી મળી આવ્યા છે.
બચાવ કામગીરી અને શોકની લાગણી
બનાવની જાણ થતાં જ ગામ લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને તેમણે એક કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, બીજા કિશોરને શોધવા માટે ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બીજા વિદ્યાર્થી (સુજલ ગોપાલભાઈ રાવળ) ના મૃતદેહને પણ સફળતાપૂર્વક પાણીમાંથી બહાર કાઢ્યો. બંને મૃતદેહોને જરૂરી પોસ્ટમોર્ટમ (PM) કાર્યવાહી માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. બીજી તરફ, આ કરુણ સમાચાર મળતાં જ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો અને સ્વજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા. પોતાના વહાલસોયા બાળકોના મૃતદેહ જોઈને પરિવારો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના આક્રંદ થી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો, અને પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.