ગાંધીનગર:  વન રક્ષક પરીક્ષાનું પેપર લીક થયાની ચર્ચા શરૂ થતાં ચાર લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને પરીક્ષા લેવાની જવાબદારી વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકના કાર્યાલયની હતી. 11 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા 2 વાગ્યે પૂરી થવાની હતી. આ તમામની વચ્ચે મહેસાણા જિલ્લાના ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ પરીક્ષા કેંદ્રના બ્લોક નંબર 9-10ના પરીક્ષાર્થી કે જેમનો બેઠક ક્રમાંક 1265800 હતો તેની પાસેથી પ્રશ્નોના જવાબની કાપલી મળતાં હોબાળો મચી ગયો હતો. હવે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈએ પ્રતિક્રિયા આપી છે. કોપી કેસને પેપરલીક ગણાવી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કેટલાક લોકો રચતાં હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનો દાવો છે.


નિરીક્ષકના ધ્યાનમાં લાવવામાં આવતા તે કાપલી શ્રી નાગરિક મંડળ ઉનાવાના લેટરપેડ પર લખાઇ હતી. અન્ય પરીક્ષાર્થીઓનો દાવો છે કે કાપલીમાં એ તમામ સવાલોના જવાબ હતા જે પ્રશ્નપત્રમાં પૂછાયા હતા. અને એટલે જ અનેક સવાલ શરૂ થયા. અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો કરી સતત રજૂઆત કરતાં પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી. જો કે આ તમામની વચ્ચે પેપર લીક થયાની ચારેકોર ચર્ચા પણ થવા લાગી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી તરફથી મીડિયા પર આજ પ્રકારની પ્રતિક્રિયા આવવા લાગી હતી.  કેમ કે સંસ્થાનું લેટરપેડ વપરાયું હતું. આ સંજોગોમાં પોલીસે તપાસ શરૂ કરી, સાથે જ એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે સરદાર પ્રાયમરી સ્કૂલના હંગામી શિક્ષક રાજુ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. 


કોઈ પણ પ્રકારનું પેપર લીક થયાની નહીં, પરંતુ આ કોપીનો કેસ હોવાનો સરકારનો દાવો છે.પરીક્ષાર્થી બાથરૂમના બહાને બહાર ગયો હતો અને પરત આવતા તેની પાસે જવાબો સાથેનું લેટરપેડ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ થઇ રહી છે. કોપી કેસને પેપરલીક ગણાવી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કેટલાક લોકો રચતાં હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનો દાવો છે.


આજે રાજ્યમાં વન રક્ષક - વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી.