ગાંધીનગર :  દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સરકારને દારૂના વેચાણથી કરોડો રુપિયાની આવક થઈ છે. વિદેશી દારૂના વેચાણથી સરકારને 100 કરોડથી વધુની આવક થઈ છે.  કૉંગ્રેસના  ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે વિધાનસભામાં આ જવાબ આપ્યો હતો.  અમદાવાદ-ગાંધીનગરની 32 હોટલોને વિદેશી દારૂના વેચાણની મંજૂરી અપાઈ છે. વિદેશી દારૂના વેચાણથી સરકારને 2 વર્ષમાં 116 કરોડથી વધુની આવક થઈ છે. આ સાથે જ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાંથી 2 વર્ષમાં કરોડોનો ગેરકાયદેસર દારૂ પકડાયા હોવાની માહિતી વિધાનસભામાં જાહેર કરવામાં આવી છે.

સરકારને ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી લાખોની આવક 

ગુજરાત સરકારને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના વેચાણથી રૂ. 91.19  લાખની આવક થઈ હતી. હકીકતમાં, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, 30 ડિસેમ્બર, 2023થી ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (24 માર્ચ, 2025) ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 31  જાન્યુઆરી, 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 3,324 બલ્ક લિટર સ્પિરિટ, 470 બલ્ક લિટર વાઇન અને 19,915  બલ્ક લિટર બિયરનું વેચાણ થયું છે.

Continues below advertisement
Continues below advertisement

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે બે કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને 9 જાન્યુઆરી, 2024 ના રોજ અને ગ્રાન્ડ મર્ક્યુરીને 10  જાન્યુઆરી, 2024 ના રોજ લાઇસન્સ મળ્યું છે.   

ગુજરાતમાં વર્ષ 1960 થી દારૂબંધી અમલમાં છે. જો કે, સરકારે ગિફ્ટ સિટીને એક વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવા માટે આ પ્રતિબંધમાં કેટલીક છૂટછાટ આપી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો અને ટેક્નોલોજી નિષ્ણાતોને આકર્ષવાનું અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.

ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશ માટે કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના અનુસાર, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબોને 'વાઇન એન્ડ ડાઇન' સુવિધાઓ માટે લાઇસન્સ મળી શકશે. પરંતુ દારૂની બોટલોના છૂટક વેચાણ પર પ્રતિબંધ છે.  આ ઉપરાંત, બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં કામ કરતી કંપનીઓના કર્મચારીઓ અને માલિકોને દારૂની પરમિટ મળે છે.  ગુજરાતમાં બહારથી આવતા લોકોને પણ કામચલાઉ પરમિટ પર દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવે છે.  સરકારની આ નીતિને ગિફ્ટ સિટીમાં રોકાણકારોને આકર્ષવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.