ગાંધીનગરઃ ગુજરાતમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગ ઉગ્ર બની છે. નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ કેન્દ્ર સરકાર ખાતે નોંધાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓનું એક સંગઠન છે. જેનો ઉદેશ્ય સરકારી કર્મચારીઓના હિતો તેમજ નિવૃતિ બાદ તેઓની નાણાકીય સુરક્ષાની જાળવણી કરવા બંધારણીય રીતે જૂની પેન્શન સ્કીમને ફરીથી રાષ્ટ્રીય  અને રાજ્ય સ્તરે લાગુ કરાવવાનો છે.

Continues below advertisement


સંગઠન દ્ધારા કર્મચારીઓમાં જાગૃતિ લાવવા માટે 12 અને 13 માર્ચના રોજ અમદાવાદથી દાંડી સુધીની પેન્શન જાગૃતિ યાત્રાનું આયોજન  કર્યું હતું. સંગઠને આ મામલે મુખ્યમંત્રી, નાણામંત્રીને અનેકવાર રજૂઆતો કરી છતાં માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. એક એપ્રિલને કાળા દિવસ તરીકે ઉજવવા માટે તમામ એનપીએસ અધિકારીઓ અને કર્મચારીઓને અપીલ કરાઇ હતી. કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજના લાગુ થાય તે માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આજના કાર્યક્રમમાં સચિવાલયથી લઇને જિલ્લા તાલુકા સ્તરની કચેરીઓ સુધીના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 


ગુજરાત રાજ્યના તમામ એનપીએસ અધિકારી અને કર્મચારીઓને આશા છે કે રાજસ્થાન અને છત્તીસગઢ સરકારની જેમ ગુજરાત સરકાર પણ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે.જો સરકાર આ માંગ નહી સ્વીકારે તો કર્મચારીઓ પ્રતિકાત્મક કાર્યક્રમો કરશે અને આગામી  સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપશે.