GPSC Class 1-2 Exams: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા રવિવારે, તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ યોજાનારી વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું GPSCના ચેરમેન શ્રી હસમુખ પટેલે જણાવ્યું છે. તેમણે માહિતી આપતા કહ્યું કે રાજ્યના કુલ ૨૧ જિલ્લાઓમાં ૪૦૫ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે, જેમાં આશરે ૯૭ હજાર જેટલા ઉમેદવારો ભાગ લેશે. વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ચેરમેન શ્રી હસમુખ પટેલે જણાવ્યું કે પરીક્ષાના સંચાલનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેની વિગતો કમિશનની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. મુખ્ય ફેરફાર મુજબ, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને તડકાથી રક્ષણ આપવા માટે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં પોણા બે કલાક (૧ કલાક ૪૫ મિનિટ) વહેલો વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. અગાઉ માત્ર ૩૦ મિનિટ પહેલા જ પ્રવેશ અપાતો હતો. આ નિર્ણયથી ઉમેદવારોને રાહત મળશે અને તેમનું ફ્રિસ્કિંગ (તપાસણી) પણ વ્યવસ્થિત રીતે થઈ શકશે.

પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોનો સામાન સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા ઉમેદવારોએ પોતાના બુટ ચંપલ વર્ગખંડની બહાર કાઢવાના રહેશે.

પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ કોઈપણ પ્રકારનો ઘોંઘાટ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે માઇકની મંજુરી નહિ આપવામાં આવે. એક રસપ્રદ કિસ્સામાં, એક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન હતું, તેમના આયોજકો સાથે વાત કરીને પરીક્ષાના સમય દરમિયાન તેમના કાર્યક્રમના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી ઉમેદવારોને ખલેલ ન પહોંચે.

ચેરમેનશ્રીએ જણાવ્યું કે જે સૂચનાઓ આપવાની હશે તે પરીક્ષા પહેલા આપવામાં આવશે. પ્રશ્નપત્ર બપોરે ૧૨ વાગે જ બધા ઉમેદવારોને એક સાથે આપવામાં આવશે અને OMR શીટ પણ તેવી જ રીતે પરત લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારની હાજરીમાં જ તેમની OMR શીટ લઈને સીલ કરવામાં આવશે અને ઉમેદવારની સહી લેવામાં આવશે, જે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

ઉમેદવારો સાદી ઘડિયાળ પહેરીને પરીક્ષા આપી શકશે. દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને ભોંયતળિયે અલગ રૂમમાં બેસવાની સુવિધા આપવામાં આવશે અને વ્હીલચેરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઓળખના પુરાવા તરીકે ઉમેદવારો ૫ પ્રકારના પુરાવા રાખી શકશે: ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને લાયસન્સ. આ સિવાયના કોઈપણ પુરાવા માન્ય ગણવામાં આવશે નહીં.

બાયોમેટ્રિક લેવામાં કેટલીક વાર મશીન ખોટકાઈ જાય તેવી શક્યતા રહે છે, તેથી OMR શીટમાં ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ, GPSC દ્વારા રવિવારે યોજાનારી વર્ગ ૧ અને ૨ની પરીક્ષા માટે વ્યાપક અને ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેથી ૯૭ હજાર ઉમેદવારો શાંતિપૂર્ણ અને ન્યાયી વાતાવરણમાં પરીક્ષા આપી શકે. પરીક્ષા માટે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ.