ગાંધીનગર:GPSCની ક્લાસ-1 અને 2ની પરીક્ષા આજે યોજાશે. 21 જિલ્લાના 97 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે..પરીક્ષા કેંદ્ર પર ઉમેદવારોને પોણા 2 કલાક વહેલા પ્રવેશ અપાશે...જીપીએસસી વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 જગ્યા માટે પરીક્ષા યોજાશે...તો દિવ્યાંગ ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વની છે..તેમના માટે કુલ 37 જગ્યા અનામત રખાઇ છે. જેમાં વર્ગ-1 માટે 9 જ્યારે વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઉમેદવારોએ બેસવું પડશે... ઉમેદવારોએ બુટ-ચપ્પલ પરીક્ષા ખંડ બહાર ઉતારવા પડશે.. 15 મિનિટ પહેલાં ઉમેદવારોને OMR અપાશે. પ્રશ્નપત્ર 12 વાગ્યે જ અપાશે. ઉેમદવારોના બાયોમેટ્રિક લેવામાં નહીં આવે. OMRમાં ફિંગરપ્રિન્ટ લેવાશે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સમયે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે.
GPSCની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત ક્રમાંક- 240/2024-25ની કુલ 244 જગ્યા માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. જેમાં GPSCની વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 માટે પરીક્ષા યોજાશે. જેમાં 12:00થી 3:00 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ 37 જગ્યા પર ભરતી કરાશે. જેમાં વર્ગ-1 માટે 9 અને વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે, પરીક્ષામાં ગેરરિતી ન થાય માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે.
રાજ્યના 21 જિલ્લામાં આ પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં મહેસાણા જિલ્લામાં 27 કેન્દ્રોમાં 6,376 ઉમેદવારો આ પરીક્ષા અાપશે.જિલ્લાના મહેસાણા, વિસનગર, ઊંઝા અને વિજાપુર તાલુકામાં કુલ 27 કેન્દ્રોમાં 266 બ્લોકમાં પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આ વી છે.વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 4296 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જવાબવહી મોકલાશે.
વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું:
પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની ગેરરીતિ કે ખલેલ ન પહોંચે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા. ૨૦ એપ્રિલના રોજ જે પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાનાર છે, તે કેન્દ્રોના કમ્પાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે:
૧. પરીક્ષા કેન્દ્રોના કમ્પાઉન્ડની ચારે બાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં. ૨. શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) ની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. ૩. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. ૪. શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થશે નહીં. ૫. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઈ પેડ, સ્માર્ટ વોચ જેવા ડિજિટલ ઉપકરણો લાવી શકશે નહીં. સુપરવાઇઝરો પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. ૬. પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા સ્ટાફ (સ્થળ સંચાલક, સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધિ, વર્ગ-૪ કર્મચારીઓ) એ ચુસ્તપણે ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને તેને પહેરવાનું રહેશે. ૭. ઓળખકાર્ડ સિવાયની કોઈપણ વ્યક્તિ શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહીં. ૮. શાળા (પરીક્ષા કેન્દ્ર) આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.