GPSC પાસ તબીબો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ  તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત  કરી હતી કે, GPSCપાસ 162 તબીબોને કાયમી ડોકટર તરીકે નિમણૂક કરવામાં આવશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને ઘર આંગણે જ સત્વરે આરોગ્ય સારવાર મળી રહે એ માટે GPSC પાસ 162 તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક આપવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં GPSC દ્વારા પસંદગી પામેલ 162 એમ.બી.બી.એસ. ડોક્ટરોને આરોગ્ય વિભાગના કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક આપવા માટે મંજૂરી આપવામા આવી છે જેની સત્વરે નિમણુક અપાશે જેના પરિણામે આરોગ્યલક્ષી સારવારમા વધારો થશે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 1871 નવા કેસ નોંધાયા છે અને 25  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


 


રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40  ટકા છે. 


 


કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જ્યાં ગઈકાલે નવા કેસના સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં પાટણમાં 8, છોટા ઉદેપુરમાં 5, તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, દાહોદમાં 2, મોરબીમાં 2 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાટણમાં 36, છોટા ઉદેપુરમાં 10, તાપીમાં 16, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 106, મોરબીમાં 14 અને ડાંગમાં 15 લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા હતા.