ગાંધીનગર: 2017ની વિધાનસભાની ચુંટણી પહેલા મોટી ચુંટણી ગણી શકાય તેવી રાજ્યની 10318 ગ્રામ પંચાયતોની ચુંટણી 27 ડીસેમ્બરના રોજ યોજવામાં આવશે.

મુખ્ય ચુંટણી કમિશનર વરેશ સિન્હાએ એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, 27 ડીસેમ્બરના રોજ સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. જરૂર જણાશે તો 28મીએ પૂન: મતદાન થશે અને 29મી ડીસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

આ ચુંટણીમાં કૂલ 1.89 કરોડ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચુંટણીમાં ઈવીએમ નહિ પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 10 હજાર 318 ગ્રામ પંચાયતના સરપંચ અને 91 હજાર 2 વોર્ડના સભ્યોની ચુંટણી કરવામાં આવશે. મતદારે વોર્ડના સભ્ય અને સરપંચ એમ બે ઉમેદવારને ચુંટવા માટે બે મત આપવાના રહેશે. આ ચુંટણીમાં નોટાનો ઉપયોગ ગ્રામ પંચાયત સ્તરે પ્રથમ વાર કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં 303 ગ્રામ પંચાયત પૈકીની 194 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેમાં ગાંધીનગર તાલુકામાં 69, કલોલમાં 14, માણસામાં 25 અને દહેગામ તાલુકામાં 86 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે સરપંચ માટે સામાન્ય, એસસી, એસટી અને ઓબીસીનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.