અમદાવાદ: તહેવાર શરુ થાય તે પહેલા જ મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે.   પાંચ ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે.  સિંગતેલમાં માગ વધી જવાથી છેલ્લા બે અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 80નો વધારો થયો છે. આ સાથે મગફળીની આવક પણ ઓછી રહેતા ભાવમાં તેજી જોવા મળે છે.  સિંગતેલ 15 કિલોના ભાવ રૂપિયા 2800 અને પાંચ લીટર ટીનનો ભાવ રૂપિયા 850 થયો છે.


ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


સિંગતેલની સીઝનમાં જ ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કારણ કે સીંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2800 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સિંગતેલમાં ભાવ વધારાના કારણે સામાન્ય લોકોનુ બજેટ ખોરવાયું છે.  


વેપારીઓના મતે ફરસાણના વેપારીઓ ફરાળી આઈટમો માટે સિંગતેલનો સ્ટોક કરતા માગ વધી છે. જો કે સિંગતેલ સિવાયના કપાસિયા, પામોલીન જેવી અન્ય તેલની માગ ઘટતા ભાવમાં 40 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.


આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે.  ગત વર્ષ કરતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધુ થશે.


જનતા પર મોંઘવારીનો વધુ એક માર


સાતમ આઠમના તહેવાર તથા લગ્નપ્રસંગોની શરૂઆત થતાની સાથે જ ફરીને ભાવ ઉંચકાશે તેમ માનવામા આવી રહ્યું છે. હાલ તો સિંગતેલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.  બજારમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટતા ભાવ વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 80 રુપિયાનો વધારો થયો છે.              


વર્ષ 2024ની શરૂઆતથી અનુમાન પ્રમાણે સિંગતેલના ભાવમાં અંદાજે 9 વખત વધારો થયો છે. હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.