બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખૂબજ સારા ભાવો મળી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના 1273 રૂપિયા ભાવ કરતાં પણ વધારે 1250 થી 1581 રૂપિયા જેટલો પ્રતિ મણ મગફળીનો ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.
બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું બમ્પર ઉત્પાદન
ઉત્તર ગુજરાતમાં ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે. બીપરજોય વાવાઝોડા સહિત ભારે વરસાદમાં અનેક પાકોમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. જેને લઈને ડીસા પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચવા ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડમાં રોજની 40 થી 45 હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે. અત્યારે ડીસા માર્કેટયાર્ડના ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના મણે 1300 થી 1500 રૂપિયા જેટલા સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીમાં પ્રતિ મણ 200 થી 250 રૂપિયા વધારે ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરો ભરીને મગફળી વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો આગામી સીઝનમાં અન્ય પાકોનું સમયસર વાવેતર કરી શકશે.
ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવક
સરકાર દ્વારા મગફળીનો મણે 1273 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જોકે તેની ખરીદી હજુ શરૂ થઈ નથી.જોકે ટેકાના ભાવમાં મગફળી વેચનારા ખેડૂતોને નાણાં મળવામાં પણ વિલંબ થતો હોય છે. જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને હાથો હાથ રોકડા રૂપિયા મળી રહે છે જેને લઈને ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઇ રહ્યું છે. જેથી ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની લગભગ 40થી 45 હજારથી વધુ બોરીની આવક થઈ રહી છે. ગત વર્ષે 16 લાખ મગફળીની બોરીની આવક થઈ હતી અને ભાવ 971 થી 1451 રૂપિયા ભાવ હતો. જેમાં 1277 એવરેજ ભાવ હતો પરંતુ આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં 1250 થી 1581 રૂપિયા પ્રતિમણે ખેડુતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે, વર્તમાન સમયમાં મગફળીની આવક જોતાં આ વર્ષે લગભગ 20 લાખ બોરીની આવક થવાની શક્યતા છે.