Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના મજરા ગામે ગઈકાલે રાત્રે ધાર્મિક કાર્યક્રમ અને મંદિરના વહીવટની તકરારમાં બે જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ગામમાં લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો, જેના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. તમને જણાવી દઈએ કે, ગામની શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં ઈંટ અને પથ્થરો નજરે પડ્યા હતા.
મોટી સંખ્યામાં વાહનો અને ઘરોમાં તોડફોડ
હિંસક અથડામણ દરમિયાન ટોળાએ ગામમાં રહેલા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ અથડામણમાં છ ટેમ્પો, ત્રણ ટ્રેક્ટર, અને દસથી વધુ બાઇક અને કારમાં નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, કેટલાક ઘરોના બારી-બારણાના કાચમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત, પોલીસનો લોખંડી બંદોબસ્ત
આ જૂથ અથડામણમાં અંદાજે આઠથી દસ જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક મજરા ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પંચાયતની ચૂંટણી અને ત્રણ દિવસથી છમકલાં
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિવાદ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહ્યો હતો. ગ્રામજનોએ દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ દિવસથી ગામમાં છમકલાં થઈ રહ્યા હતા, જેણે ગઈકાલે રાત્રે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
પોલીસે 110 લોકો સામે ફરિયાદ નોંધી, 20થી વધુ રાઉન્ડ અપ
પોલીસે આ ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિંસા ફેલાવવા બદલ 60 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ સહિત કુલ 110 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોની રાઉન્ડ અપ કરીને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. શાંતિ જાળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરવા માટે પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત આ ઘટના માટે જવાબદાર લોકોને પકડી યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.