GSEB Class 10 Hall Ticket 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-2026 માં યોજાનારી ધોરણ 10 ની જાહેર પરીક્ષા માટેના પ્રવેશપત્ર (હોલ ટિકિટ) આજે, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. બોર્ડની યાદી મુજબ, આજે બપોરે 15:00 કલાકથી રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓ ઓનલાઈન પોર્ટલ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આગામી 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી શાળાઓએ સમયસર વિતરણ વ્યવસ્થા પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના વિષય કે માધ્યમની ખરાઈ પ્રવેશપત્રમાં અચૂક કરી લેવી, જેથી કોઈ ભૂલ હોય તો ગાંધીનગર કચેરીની માધ્યમિક શાખાનો તુરંત સંપર્ક કરી શકાય.

હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અને શાળાઓ માટે સૂચના

શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org, ssc.gsebht.in અથવા gsebht.in પર જઈને શાળાનો ઈન્ડેક્સ નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગઈન કરવાનું રહેશે.

Continues below advertisement
Continues below advertisement
  • ફોટો અને સહી: હોલ ટિકિટની પ્રિન્ટ કાઢ્યા બાદ તેના પર વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી, વર્ગશિક્ષક અને આચાર્યશ્રીના સહી-સિક્કા કરવા અનિવાર્ય છે. ખાસ ધ્યાન રાખવું કે આચાર્યના સહી-સિક્કા અડધા ફોટા પર અને અડધા પેપર પર આવે તે રીતે કરવાના રહેશે.
  • સૂચનાઓનું પાલન: હોલ ટિકિટના પાછળના ભાગે પરીક્ષા લક્ષી સૂચનાઓ (ક્રમ 1 થી 13) પ્રિન્ટ કરી આચાર્યની સહી સાથે વિદ્યાર્થીને આપવાની રહેશે.
  • વિતરણ યાદી: પ્રવેશપત્ર આપ્યા બદલની સહી શાળાઓએ ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં લેવાની રહેશે. જો કોઈ વિસંગતતા જણાય તો જરૂરી આધારો સાથે બોર્ડની કચેરીનો સંપર્ક કરવો.

પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર અને નવો સમય

વહીવટી કારણોસર અગાઉ જાહેર કરાયેલા શિડ્યુલમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી થી શરૂ થઈને 18 માર્ચ 2026 સુધી ચાલશે. ખાસ નોંધનીય છે કે, 4 માર્ચ ના રોજ લેવાનારી પરીક્ષા હવે 18 માર્ચ ના રોજ યોજાશે.

  • ધોરણ 10 પરીક્ષા સમય: સવારે 10:00 થી બપોરે 1:15 સુધી.
  • ધોરણ 12 પરીક્ષા સમય: બપોરે 3:00 થી સાંજે 6:15 સુધી.

શિક્ષકો માટે મૂલ્યાંકન આદેશ (Assessment Order)

હોલ ટિકિટની સાથે જ બોર્ડે પરીક્ષાના પેપર ચેકિંગ માટેના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓના નિમણૂકપત્રો (Assessment Order) પણ ઓનલાઈન અપલોડ કરી દીધા છે. સંબંધિત શિક્ષકોના નિમણૂકપત્રો શાળાઓએ ઓનલાઈન ડાઉનલોડ કરીને સોંપવાના રહેશે, જેથી પરીક્ષણ કાર્યમાં કોઈ વિલંબ ન થાય અને સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરી શકાય.