ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને લઈ સરકારનો મોટો નિર્ણયઃ ૫૪૨ સામાન્ય એમ્બ્યુલન્સનું પણ હવે....
મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના નેતૃત્વ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધીની એમ્બ્યુલન્સનો સમાવેશ, રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો લક્ષ્યાંક.

108 ambulance service Gujarat: ગુજરાત રાજ્યના પ્રજાજનો માટે આકસ્મિક મેડિકલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અને ઇમરજન્સી સ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે સરકારી આરોગ્ય કેન્દ્રો હસ્તકની સામાન્ય એમ્બ્યુલન્સનું સંચાલન પણ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે, રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ હસ્તકની સામાન્ય એમ્બ્યુલન્સ પૈકીની ૫૪૨ જેટલી એમ્બ્યુલન્સનું સંચાલન હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધું કાર્યક્ષમ બનાવવાનો છે.
આ ૫૪૨ નવીન એમ્બ્યુલન્સનો ઉપયોગ મુખ્યત્વે દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ (ઇન્ટર ફેસિલીટી ટ્રાન્સફર IFT) ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે ૧૦૮ સેવા દ્વારા થશે. આ એમ્બ્યુલન્સમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૧૧૮, સામુહિક આરોગ્ય કેન્દ્રની ૩૧૦, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ૫૯, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ૩૧ અને મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની ૨૪ (કુલ ૫૪૨) નો સમાવેશ થાય છે, જે હવે ૧૦૮ સેન્ટર દ્વારા કાર્યાન્વિત થશે.
૧૦૮ એમ્બ્યુલન્સ કાફલામાં મોટો વધારો
અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા હેઠળ હાલમાં કુલ ૮૦૦ ALS/BLS એમ્બ્યુલન્સ અને ૩૮ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ઓન રોડ કાર્યરત છે. આ વર્ષમાં નવીન ૧૧૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો થતા કુલ ૯૫૭ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં સમર્પિત થશે. વધુમાં, આ ૫૪૨ એમ્બ્યુલન્સનું પીઠબળ પણ ૧૦૮ને મળતા હવે રાજ્યમાં કુલ ૧૪૯૯ જેટલી એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં આકસ્મિક પરિસ્થિતિમાં સેવારત થશે, જે ૧૦૮ એમ્બ્યુલન્સનું સૈન્ય વધુ સશક્ત બન્યા સમાન છે.
૫૪૨ એમ્બ્યુલન્સના સંચાલનથી થનારા ફાયદા
- રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી પ્રતિસાદ વધુ સુદ્રઢ બનશે. ૧૦૮ સેવા દ્વારા છેલ્લા બે વર્ષમાં ૨૮.૬૯ લાખ જેટલા લોકોને મેડીકલ સેવાઓ પુરી પાડેલ છે, જેમાં હવે આ વિશાળ કાફલો ઉમેરાતા કાર્યક્ષમતા વધશે.
- ઇમરજન્સી કેસ અને આંતર સુવિધા ટ્રાન્સફરના દૈનિક કાર્યભારણને પહોંચી વળવામાં મદદ મળશે. હાલનો સરેરાશ ૧૬.૫ મિનિટ (ગ્રામીણ ૨૧.૦૪ મિનિટ, શહેરી ૧૧.૨૬ મિનિટ) નો રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને સરેરાશ ૧૦.૦૦ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ સિદ્ધ કરવાનો લક્ષ્યાંક છે.
- સ્માર્ટ રેફરલ સિસ્ટમ (SRS) થકી ગંભીર દર્દીઓના પરિવહનનું યોગ્ય ટ્રેકિંગ થઈ શકશે અને યોગ્ય સમયે યોગ્ય દર્દીને યોગ્ય હોસ્પિટલ ખાતે પહોંચાડવાની સક્ષમ વ્યવસ્થા સુનિશ્ચિત થશે.
- વાહન સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાશે અને સામાન્ય/ગંભીર ઈમરજન્સી તેમજ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખાતે દર્દીની રેફરલ સુવિધા માટે એમ્બ્યુલન્સ સહેલાઈથી ઉપલબ્ધ થશે.
- પ્રિહોસ્પિટલ કેર માટે એક સમાન SOPs, દવાઓ, તાલીમબધ્ધ કર્મચારીઓ અને મેડિકલ સાધનો સાથેની એક સમાન વ્યવસ્થા તમામ એમ્બ્યુલન્સોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સંભાળ સુનિશ્ચિત કરશે.
- દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા વધશે અને ગ્રામીણ વિસ્તારમાં પણ ઝડપથી લોકોને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થશે.
- રીયલ ટાઇમ લોકેશન મુવમેન્ટ મોનિટરિંગ માટે GPS ટ્રેકિંગ ઉપકરણોથી સજ્જ હોવાથી કાર્યક્ષમતામાં સુધારો થશે અને સંસાધન ફાળવણી માટે ડેટા ઉપલબ્ધ થશે.
- સેન્ટ્રલાઈઝ કંટ્રોલ તથા સી.એમ ડેશબોર્ડ સાથે જોડાણ થયેલ હોવાથી ડિઝાસ્ટર કે એપેડેમિક જેવી ઘટનાઓમાં રાજ્ય કક્ષાએથી વધુ અસરકારક રીતે સંકલન થઈ શકશે.
- દર્દીઓના રિફરલ અંગેની તમામ પ્રકારની માહિતી એક જ સંસ્થા ૧૦૮ EMRI GHS પાસેથી મળી રહેશે.






















