ગાંધીનગર: રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ‌ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તારીખ 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ જળ સંપત્તિ  મંત્રી  ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

જળ સંપત્તિ  મંત્રી  ઈશ્વરસિંહ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે  મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.

આ બાબતે ગત તારીખ 11  માર્ચ 2026 ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી, તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી તારીખ 30  એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે‌ તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Continues below advertisement
Continues below advertisement

આ પહેલા ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા મોટો નિર્ણય કર્યો હતો

ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.  જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી 'ગુડ ગવર્નન્સ' (સુશાસન) અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પણ મોટો વેગ મળશે.