Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.


આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.


પ્રિયંકા ગાંધી આવશે વડોદરા


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.


ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને અંતર્ગત ભાજ પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે.આજે મોડી રાત્રે નડ્ડા અમદાવાદ પહોંચશે.નડ્ડા અહીં રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર મેળશે..આ સાથે જ મેયર કોન્ફરન્સને સંબોધન પણ કરશે. અમદાવાદ બાદ તેઓ રાજકોટની પણ મુલાકાત લેશે. રાજકોટમાં ભાજપનું મહાસંમેલન યોજાશે. જેમાં ભાજપના પ્રદેશ જિલ્લાના હોદ્દેદાર, સહકારી આગેવાન, જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. આ મહાસંમેલનમાં નડ્ડા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.


મિશન ગુજરાત અંતર્ગત કેન્દ્રના દિગ્ગજ નેતાઓની જંગી સભાઓ, રેલીઓ યોજાશે. આ જંગ એ પ્રતિષ્ઠાનો જંગ રહેશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આપ પાર્ટી કાંટાની ટક્કર આપશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ તડામાર તૈયારી કરી રહ્યુ છે.