Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે કોંગ્રસ નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેવગઢ બારીયાના એનસીપી ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું છે.
જેને લઈ દેવગઢ બારીયામાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સોદાબાજી થઈ હોવાના સંકેત છે. કોંગ્રેસે ગઠબંધનના ભાગરૂપે ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. પરંતુ હવે એનસીપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોદાબાજી થઈ હોવાની પ્રબળ આશંકા છે. હવે દેવગઢ બારીયામાં ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે જંગ જામશે.
સુરેન્દ્રનગરમાં શું બોલ્યા પીએમ મોદી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીના પ્રચારનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી. જેમાં તેમણે વિરોધીઓ પર પ્રહાર કરવાની સાથે ખેડૂતોને રિઝવવા માટે ઘણી વાતો કરી.
ખેડૂતોને રિઝવવા પીએમ મોદીએ શું કહ્યું
- એક જમાનામાં યુરિયા પાછળના દરવાજેથી બારોબાર વેચાઇ જતું હતું. યુદ્ધને લીધે યુરિયાની એક થેલી બે હજારમાં લાવીએ છીએ પણ ખેડૂતને યુરિયાની એક થેલી 270મા આપીએ છીએ. નેનો યુરિયા લાવીને ખેડૂતોના ખર્ચાને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
- કપાસ અને મગફળીના કોઇ દિવસ આટલો ભાવ મળ્યો નથી. આ દેશનો કોઇ પણ એવો નાગરિક નહી હોય જેણે સુરેન્દ્રનગરનું મીઠું ખાધુ ના હોય. અગરીયાઓની ચિંતા ભાજપ સરકારે કરી છે. સોલર પંપથી પણ અગરીયા ભાઇઓને મદદ કરી રહ્યા છીએ.
- ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.
- નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. નર્મદા વિરોધીના ખભે હાથ મુકીને પદયાત્રા કરનારને ગુજરાતની જનતા આપશે સજા.
- સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો છે. હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. એનાથી લાખો લોકોને રોજગાર મળે છે. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે, 5 ગણો વધારો કર્યો છે.