ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં અવારનવાર નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળતું હોય છે. પરંતુ, આજે ગૃહનું વાતાવરણ ત્યારે અચાનક ગરમાઈ ગયું જ્યારે ચર્ચાનો મુદ્દો લોકોના પ્રશ્નોથી ભટકીને નેતાઓની શૈક્ષણિક લાયકાત એટલે કે 'ભણતર' પર પહોંચી ગયો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ વચ્ચે 'ધોરણ-૮ પાસ' અને કૉલેજની ડિગ્રીના મુદ્દે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ચર્ચામાં શિક્ષણના અહંકાર સામે રાજકીય સંસ્કારો અને અનુભવની વાતોએ જોર પકડ્યું હતું.
ડિગ્રીનો ગર્વ અને '8 પાસ' નો કટાક્ષ
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં પોતાના શિક્ષણને લઈને એક નિવેદન આપ્યું. તેમણે અત્યંત ગર્વભેર અને થોડા આક્રમક અંદાજમાં કહ્યું કે, "હું ગ્રેજ્યુએટ છું. મેં માત્ર સામાન્ય અભ્યાસ નથી કર્યો, પરંતુ હું BA.LLB સુધી ભણેલો છું. મને મારા ભણતર પર ગર્વ છે અને હું કંઈ 8 પાસ નથી." તેમનો આ સીધો ઈશારો કોની તરફ હતો તે સ્પષ્ટ ન હોવા છતાં, આ નિવેદને સત્તાધારી પક્ષના નેતાઓને રોષે ભરાયા હતા.
જીતુ વાઘાણીનો ભાવનાત્મક પલટવાર
ગોપાલ ઇટાલિયાના આ 'ડિગ્રીના ગર્વ' વાળા નિવેદનનો ભાજપના નેતા જીતુ વાઘાણીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. વાઘાણીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વ. કેશુભાઈ પટેલ (કેશુબાપા) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આપણા કેશુબાપા માત્ર 4 ચોપડી જ ભણેલા હતા, છતાં તેમનું વિઝન મોટું હતું." વાઘાણીએ ઇટાલિયાને ભૂતકાળ યાદ દેવડાવતા ચોખ્ખું સંભળાવ્યું કે, "જ્યારે ગોપાલ ઇટાલિયાને રાજકારણમાં પોતાનું સ્થાન જમાવવાની જરૂર પડી, ત્યારે તેઓ જઈને આ જ 4 પાસ કેશુબાપાના ચરણોમાં પડી તેમના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે કેશુબાપા ઓછું ભણ્યા હતા તેમાં તેમને કોઈ જ વાંધો નહોતો આવ્યો, તો આજે આ 8 પાસનું મહેણું શા માટે?"
હર્ષ સંઘવીનો ધારદાર કટાક્ષ: 'શું LLBમાં જૂતું મારવાનું શીખવાડે છે?'
આ શાબ્દિક યુદ્ધમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઝંપલાવ્યું અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા. સંઘવીએ ઇટાલિયાના કાયદાના અભ્યાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ગૃહમાં આજે અમુક કહેવાતા 'ભણેલા-ગણેલા' લોકો બેઠા છે. આ ગ્રેજ્યુએટ અને BA, LLB થયેલા સભ્યોના સિલેબસમાં શું આવતું હશે તે જ મોટો સવાલ છે. શું LLBના કોઈ પુસ્તકમાં એવું લખ્યું છે કે કોઈની પર જૂતું મારવું જોઈએ?" હર્ષ સંઘવીએ કાયદાના શાસનની વાત કરતા ઉમેર્યું કે, "જ્યારે તમે પોતે કાયદાની વાતો કરતા હોવ, ત્યારે કોઈ વ્યક્તિ પર જૂતું તો ન જ ફેંકાય." અંતમાં તેમણે આમ આદમી પાર્ટીની નેતાગીરી પર સીધો પ્રહાર કરતા ટોણો માર્યો કે, "ગૃહમાં મૂળ મુદ્દાને કઈ રીતે ડાયવર્ટ કરવો અને ચર્ચાને કઈ રીતે ભટકાવવી, તેની સ્પેશિયલ ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી જ મળતી લાગે છે."
